
પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.)સાંતલપુરની ગુજરાત ગ્રામિણ બેંકમાં છેલ્લા ત્રણ દિવસથી રોકડની અછત છે. આ કારણે બેંકિંગ વ્યવહારો સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે અને ખાતાધારકો સવારથી સાંજ સુધી રાહ જોયા છતાં ખાલી હાથે પરત ફરવા મજબૂર બન્યા છે. ખેડૂતોને સરકારના કૃષિ રાહત પેકેજની રકમ ખાતામાં જમા હોવા છતાં ઉપાડી શકતા નથી.
બેંકમાં કેશિયર સીટ ખાલી જોવા મળી હતી, જ્યારે કેટલાક ખાતાધારકોએ આક્ષેપ કર્યો કે કેટલાક અધિકારીઓ બેંક બહાર લટારો મારતા જોવા મળ્યા હતા. બેંકની અંદર માત્ર એક મેનેજર હાજર હતો. મેનેજર એન.એચ. રાણાએ જણાવ્યું કે કર્મચારીઓની બેદરકારીના કારણે આ ઘટના ઘટી છે અને બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
સાંંતલપુરમાં આ એકમાત્ર બેંક હોવાથી જનતા પરેશાન છે. છેલ્લા ત્રણ દિવસથી ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને જો વહેલી તકે રોકડ ઉપલબ્ધ નહીં થાય તો લોકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ