
અમરેલી, 17 ડિસેમ્બર (હિ.સ.)
માર્ગ અને મકાન પંચાયત વિભાગ, અમરેલી દ્વારા ધારી તાલુકામાં આવેલ જળ જીવડી એપ્રોચ રોડના નવીનીકરણનું કામ પ્રગતિ હેઠળ ચાલી રહ્યું છે. કુલ 4.0 કિલોમીટર લંબાઈ ધરાવતા આ માર્ગના નવીનીકરણ માટે રૂ.120 લાખનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા આ રોડના સુધારાથી સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકોને મોટી રાહત મળશે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ માર્ગ ધારી તાલુકાના અનેક ગામોને મુખ્ય માર્ગ સાથે જોડતો મહત્વપૂર્ણ રસ્તો છે. નવીનીકરણના કામમાં રોડનું મજબૂત બેઝ તૈયાર કરવું, ડામર પાથરવું, તેમજ જરૂરી સ્થળોએ સાઇડ શોલ્ડર અને નિકાલની સુવિધા વિકસાવવામાં આવી રહી છે. કામ પૂર્ણ થયા બાદ વાહન ચાલકો માટે મુસાફરી વધુ સરળ, સુરક્ષિત અને સમય બચાવનારી બનશે.
આ રોડ પરથી રોજિંદા વિદ્યાર્થીઓ, ખેડૂતોએ પોતાનો પાક બજારમાં લઈ જવા તેમજ સ્થાનિક નાગરિકો વ્યવસાય અને આરોગ્ય સુવિધાઓ માટે અવરજવર કરે છે. નવીન માર્ગ બનવાથી યાતાયાતની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે અને અકસ્માતોની શક્યતા પણ ઘટશે.
સ્થાનિક લોકોએ માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ વિકાસકાર્યને આવકાર આપ્યો છે. ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસમાં આ રોડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai