
ગાંધીનગર, 17 ડિસેમ્બર (હિ.સ.) : સુશાસનનો અર્થ માત્ર નીતિઓ બનાવવી જ નહીં, પરંતુ તે નીતિઓને સમાજના છેવાડાના નાગરિક સુધી પારદર્શિતા અને સંવેદનશીલતાથી પહોંચાડવી એ પણ છે. આ જ ભાવના સાથે કાર્યરત ગુજરાત સરકારની મહત્વની યોજના એટલે ‘કુંવરબાઇનું મામેરું’. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 52 હજારથી વધુ અનુસૂચિત જાતિની દીકરીઓને રૂ. 60 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. મહત્વનું છે કે, પુન: લગ્નના કિસ્સામાં પણ દીકરીઓને આ યોજનાનો લાભ આપીને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે અને તેનું કન્યાદાન એટલે કે, દીકરીના લગ્ન એ પરિવાર માટે સૌથી મોટો ઉલ્લાસનો અવસર છે. આ પવિત્ર પ્રસંગે અનુસૂચિત જાતિના પરિવારોને આર્થિક ચિંતામાંથી મુક્ત કરવા માટે, ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી કુંવરબાઇનું મામેરું યોજના વરદાનરૂપ સાબિત થઈ રહી છે.
આ યોજના માત્ર નાણાકીય સહાય નથી, પરંતુ સમાજના આ વર્ગની દીકરીઓને આત્મસન્માન સાથે લગ્ન જીવન શરૂ કરવા માટેનું પ્રોત્સાહન છે. દીકરીના લગ્નને ભારરૂપ નહીં પણ આનંદનો અવસર બનાવવામાં આ યોજનાએ પાયાની ભૂમિકા ભજવી છે. કુંવરબાઇનું મામેરું યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જાતિના જરૂરિયાતમંદ પરિવારોને તેમની દીકરીના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવાનો છે. દીકરીના લગ્ન પ્રસંગે રૂ. 12000ની સહાય DBT દ્વારા સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
યોજનાનો લાભ વધુને વધુ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચે તે માટે સરળ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તાર માટે રૂ. 6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. એક કુટુંબમાં વધુમાં વધુ બે દીકરીઓના લગ્ન માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં દીકરીની વય 18 વર્ષ અને દીકરાની વય 21 વર્ષ હોવી જરૂરી છે.
ગુજરાત સરકારે અરજીની પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા માટે તમામ અરજીઓ ઓનલાઈન માધ્યમથી સ્વીકારવાનું શરૂ કર્યું છે. પાત્રતા ધરાવતા નાગરિકો લગ્નના બે વર્ષની અંદર http://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે છે.
લાભાર્થીને આ યોજના અંતર્ગત સીધો લાભ મળે છે. દીકરીનો પરિવાર સન્માન સાથે લગ્નવિધિ કરી શકે તે માટે આ સહાય આપવામાં આવે છે. આ સહાય ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને લગ્નના આયોજન, ખરીદી અને અન્ય ખર્ચાઓના આર્થિક બોજમાંથી રાહત આપે છે. આ યોજના દ્વારા મળતી સહાય દીકરીને આત્મસન્માન અને ગૌરવ સાથે પોતાનું નવું જીવન શરૂ કરવામાં મદદરૂપ થાય છે.
કુંવરબાઈનું મામેરું યોજના એ વાતનો પુરાવો છે કે કેવી રીતે અસરકારક અને સંવેદનશીલ શાસન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના જીવનમાં આનંદ અને આત્મસન્માન લાવી શકે તે જ સાચુ સુશાસન છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ