
મહેસાણા, 17 ડિસેમ્બર (હિ.સ.) : મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્યના અધ્યક્ષસ્થાને મતદારયાદી સઘન સુધારણા (Special Intensive Revision – SIR) કાર્યક્રમની સમીક્ષા અર્થે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહીને મતદારયાદી સુધારણા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તથા જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
બેઠક દરમિયાન મતદારયાદીની ચોકસાઈ, પારદર્શિતા અને સમયસર સુધારણા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ખાસ કરીને નવા મતદારોની નોંધણી, મૃત્યુ પામેલ મતદારોના નામ દૂર કરવાની પ્રક્રિયા, સ્થળાંતર થયેલા મતદારોના સરનામા સુધારણા, તેમજ ડુપ્લિકેટ નોંધણીઓ દૂર કરવા અંગે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી. સાથે જ બૂથ લેવલ અધિકારીઓ (BLO)ની ભૂમિકા, ફિલ્ડ લેવલ ચકાસણી અને ટેક્નોલોજીના અસરકારક ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો.
મુખ્ય નિર્વાચન અધિકારીએ મતદારયાદી એક જીવંત દસ્તાવેજ હોવાનું જણાવી, દરેક પાત્ર નાગરિકનું નામ મતદારયાદીમાં સમાવિષ્ટ થાય અને અયોગ્ય નામો દૂર થાય તે દિશામાં સંકલિત પ્રયાસો કરવા અનુરોધ કર્યો. આ સમીક્ષા બેઠકથી આગામી સમયમાં SIR કાર્યક્રમને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા માટે માર્ગદર્શન પ્રાપ્ત થયું હોવાનું જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR