
પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.)પાટણ શહેરના ચતુર્ભુજ બાગ નજીક અંદાજે 2 થી 2.5 વર્ષની એક બાળકી શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા બાળકીને સુરક્ષા અને તબીબી તપાસ માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને બાળ કલ્યાણ સમિતિ (CWC) પણ તપાસમાં જોડાઈ હતી.
બાગ વિસ્તારમાં વિષ્ણુજી ઠાકોર નામનો યુવાન બાળકી સાથે ફરતો જોવા મળ્યો હતો. તેની અસ્વચ્છ હાલત અને સંતોષકારક જવાબ ન આપતા મામલો શંકાસ્પદ બન્યો હતો, જેથી કોઈએ હેલ્પલાઈન પર જાણ કરી હતી.
બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેશ જોષીએ જણાવ્યું કે બાળકી વાલ્મિકી સમાજની છે અને તેની માતાનું અવસાન પ્રસૂતિ દરમિયાન થયું હતું. પાટણ એ ડિવિઝન PI કે.જે. ભોયના જણાવ્યા મુજબ, બાળકીના પિતાના ઘરે અવસાન થતા પડોશમાં રહેતા યુવાનને બાળકીને થોડા સમય માટે રમવા માટે સોંપવામાં આવી હતી.
ધારપુર હોસ્પિટલના RMO રમેશ પ્રજાપતિએ જણાવ્યું કે બાળકીની તબિયત હાલ સામાન્ય છે અને કોઈ શારીરિક તકલીફ નથી. પોલીસે જણાવ્યું કે હાલ સુધી કોઈ ગુનાહિત બાબત સામે આવી નથી, તેમ છતાં બાળકીના પિતાની ઓળખ થઈ ગઈ છે અને તેમના આગમન બાદ વીડિયોગ્રાફી સાથે વિધિવત નિવેદન લેવામાં આવશે. ત્યાં સુધી બાળકી તબીબી દેખરેખ હેઠળ હોસ્પિટલમાં રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ