
મહેસાણા, 17 ડિસેમ્બર (હિ.સ.) : SRESTHA-G યોજના અંતર્ગત TFa, PHC Fa, તાલુકા ફાઈનાન્સ કર્મચારીઓ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તેમજ પ્રોગ્રામ આસિસ્ટન્ટ માટે નાણાકીય ઓચીત્યના સિદ્ધાંતો અને ગુજરાત ખરીદ નીતિ–2024 વિષયક વિસ્તૃત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં નાણાંકીય વ્યવસ્થાપનને વધુ પારદર્શક, જવાબદારીપૂર્ણ અને નિયમસર બનાવવાના હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું.
તાલીમ દરમિયાન કમલેશ પ્રજાપતિ, RFO વડોદરા તથા હિમાંશુ ઠક્કર, DFLO મહેસાણા દ્વારા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર સમજ આપવામાં આવી. જેમાં ખર્ચના યોગ્ય દસ્તાવેજીકરણ, બજેટ આયોજન, ખર્ચ મંજૂરી પ્રક્રિયા, ઓડિટ સંબંધિત તકેદારીઓ તેમજ નાણાકીય નિયમોનું પાલન કરવાની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો. સાથે જ ગુજરાત ખરીદ નીતિ–2024 અંતર્ગત ખરીદી પ્રક્રિયા, ટેન્ડરિંગ, ઈ-પ્રોક્યોરમેન્ટ, દરખાસ્તોની ચકાસણી અને પારદર્શિતા જાળવવા માટેની માર્ગદર્શિકાઓ વિશે પણ સ્પષ્ટતા કરવામાં આવી.
કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ તાલીમને ઉપયોગી અને માર્ગદર્શક ગણાવી હતી. આ તાલીમના પરિણામે SRESTHA-G યોજના હેઠળની નાણાકીય કામગીરી વધુ સુચારુ, નિયમસર અને અસરકારક બનશે તેમજ સરકારી નીતિઓનું યોગ્ય અમલીકરણ સુનિશ્ચિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR