
- પરંપરાગત પદ્ધતિથી નવ પ્રકારના તેલના અને મૂલ્યવર્ધિત ખાદ્ય વાનગીના ઉત્પાદન થકી વર્ષે લાખોનું ટર્ન ઓવર
- ભારત સરકારની લઘુ સાહસ માટેની યોજનાએ કમાલ કરી દીધી, લાકડા ઘાણીનું તેલ કાઢી વેચવાથી શરૂ કરેલો બિઝનેસ બ્રાન્ડિંગ તરફ: મહિલા ઉદ્યોગ સાહસિક ચેતનાબેન ચૌહાણ
વડોદરા, 17 ડિસેમ્બર (હિ.સ.) : જ્યારે એક સ્ત્રી પોતાના સ્વપ્નને સાકાર કરવા પ્રયત્ન કરે અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો સાથ મળે, ત્યારે કેવા ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે તેની જીવંત અનુભૂતિ વડોદરા શહેરના લઘુ ઉદ્યોગ સાહસિક ચેતના ચૌહાણની સાફલ્યગાથા ચોક્કસપણે કરાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન’ના અભિયાનને વધુ ગતિ આપવા માટે રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણની મહત્ત્વની પહેલ સમાન સશક્ત નારી મેળાનું રાજ્યવ્યાપી આયોજન કર્યું છે, ત્યારે સ્વદેશી અભિયાનના મંત્રને વરેલા અને પ્રાકૃતિકના સંકલ્પ થકી ગૃહ ઉદ્યોગની લાખો મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન ચેતના ચૌહાણની ગાથા મહિલા સશક્તિકરણ અને મહિલાઓના આત્મગૌરવની પ્રતિમૂર્તિ બની રહી છે.
બીએડ સુધીનો અભ્યાસ કરેલા ચેતના ચૌહાણે પોતાના બાળકો અને ઘર-પરિવાર સંભાળવા માટે ખાનગી નોકરી છોડી દીધી અને શરૂ થયો સાહસિક સ્વપ્નોના શિલ્પી બનવાનો ઘટનાક્રમ.
કોરોનાકાળ બાદ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધેલી જાગૃતતા અને સમાજ માટે ઉત્તમ કાર્ય કરવાની ઉદાર ભાવનાથી તેમને ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં સાહસ કરવાનું તેમને મનોબળ મળ્યું. પતિ અને પરિવારનો સહકાર મળતા વર્ષ-2022માં પરંપરાગત રીતે ઘાણીનું તેલ કાઢતું મશીન ખરીદ્યું અને ઘાણીનું તેલ વેચવાની શરૂઆત કરી. આ તેલની શુદ્ધતાએ ટૂંકા સમયમાં ખૂબ મોટી પ્રસિદ્ધ કરી.
વર્ષ-2023માં ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઑફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ (પી.એમ.એફ.એમ.ઈ.) અંતર્ગત 10 લાખ સુધીની લોન-લિંક્ડ સબસિડીનો લાભ લઈને કુલ ચાર મશીન ખરીદ્યા અને વિશ્વાસ ફૂડ્સના નામ સાથે બ્રાન્ડિંગની દિશામાં વાત આગળ વધી.
ઘાણીના તેલથી શરૂ થયેલી યાત્રા હવે મગફળી, તલ, નાળિયેર અને અળસી સહિત કુલ નવ અલગ-અલગ પ્રકારના તેલના વેચાણ થકી પહોંચી ગઈ છે. શુદ્ધતા અને ઓર્ગેનિક ઉત્પાદોના વધતા આગ્રહ અને ગ્રાહકોની લાગણીને ધ્યાનમાં રાખીને કચરીયું, માવા ચીક્કી, ખજૂરપાક, અડદિયા પાક, ગુંદર પાક જેવી મૂલ્યવર્ધન કરીને ખાદ્ય વાનગી બનાવીને વેચે છે અને આવકમાં વધારો કરે છે.
પરંપરાગત પદ્ધતિથી કાઢેલા તેલ અને મૂલ્યવર્ધિત ખાદ્ય વસ્તુઓ વેચીને ચેતના ચૌહાણ દર વર્ષે 30 થી 35 લાખનું ટર્ન ઓવર કરે છે અને વર્ષે અંદાજે 7 લાખનો ચોખ્ખો નફો મેળવે છે. માત્ર એક વર્ષના ટૂંકાગાળામાં જ તેમની આ સ્વદેશી બનાવટની ખાદ્ય વસ્તુઓની લોકપ્રિયતા એ હદે વધી ગઈ છે કે, તેઓ હવે વડોદરાના અન્ય વિસ્તારો ઉપરાંત આણંદ, નવસારી, વિદ્યાનગર, ભરૂચ ખાતે પણ નિકાસ કરવા લાગ્યા છે.
મુખપ્રચારથી શરૂ થયેલી વાત હવે ઓનલાઈન ઓર્ડર અને સોશિયલ મીડિયા જેવા માધ્યમોથી ઓર્ડર મેળવવા સુધી પહોંચી ગઈ છે, જે તેમની સફળતાની સાક્ષી પૂરે છે.
પોતાની બિઝનેસ યાત્રાની ઉક્ત વિગતો આપવાની સાથે સફળ મહિલા ઉદ્યોગ સાહસિક ચેતનાબેન જણાવે છે કે, મારા બિઝનેસ આઈડિયાને સફળ બનાવવા માટે મારા પરિવાર ઉપરાંત ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના અને રાજ્ય સરકારના બાગાયત ખાતાનો ખૂબ સહકાર અને પ્રોત્સાહન મળ્યું છે. કોરોના બાદ ખાદ્યક્ષેત્રમાં સ્વદેશી પદ્ધતિથી બિઝનેસ પર ફોકસ કરવું, જેથી લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય તે આ બિઝનેસનો મૂળ ઉદ્દેશ હતો. સ્વદેશી પદ્ધતિથી બનાવેલા આ તમામ તેલમાં કોલેસ્ટ્રેલ તેમજ ટ્રાન્સફેટ ઝીરો છે. પોતાના ઉત્પાદન યુનિટ પર ગ્રાહકો આવીને તેલ કાઢવાની પ્રક્રિયા જીવંત નિહાળી શકે છે, તેથી ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે, તેમ ચેતનાબેને જણાવ્યું હતું.
ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણની નીતિઓ અને કેન્દ્ર સરકારની યોજનાઓનો સકારાત્મક પ્રતિભાવ સમાજની છેવાડાની મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહ્યો છે, જેમાં ચેતનાબેન ચૌહાણની ગાથા અન્ય મહિલા ઉદ્યોગ સાહસિકો માટે એક પથદર્શક બની રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં આગામી 11 ડિસેમ્બર થી 23 ડિસેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રાજ્યવ્યાપી મેળામાં વડોદરા શહેરમાં આગામી 20,21,22 ડિસેમ્બર એમ ત્રણ દિવસ માટે સશક્ત નારી મેળાનું આયોજન અકોટા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. આ મેળામાં નારી સંરક્ષણ ગૃહ ઉપરાંત વિવિધ વિભાગોના કુલ 100 સ્ટોલ લગાવવામાં આવશે જેની મુલાકાત લઇ ખરીદી કરી મહિલાઓને આર્થિક રીતે પગભર બનવા મદદરૂપ બનવાની ઉત્તમ તક છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ