

ગાંધીનગર, 17 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાતમાં માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (GRSA) દ્વારા ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોડ ટ્રાફિક એજ્યુકેશન (IRTE)ના સહયોગથી ગાંધીનગર ખાતે 15 થી 17 ડિસેમ્બર 2025 દરમિયાન ત્રણ દિવસીય ‘રોડ સેફ્ટી મેનેજમેન્ટ કાર્ય-શિબિર’ નું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ, પરિવહન વિભાગ ( RTO), માર્ગ-મકાન વિભાગ, NHAI તથા મહાનગર પાલિકાના ના અધિકારીઓની ટેક્નિકલ તથા ઓપરેશનલ ક્ષમતામાં વધારો કરવાનો હતો, જેથી માર્ગ સલામતીના અમલીકરણને વધુ અસરકારક બનાવી શકાય.
કાર્યક્રમ અંતર્ગત માર્ગ ટ્રાફિક કાયદા (મોટર વાહન અધિનિયમ, સેન્ટ્રલ મોટર વાહન નિયમો તથા ગુજરાત મોટર વાહન નિયમો), માર્ગ અકસ્માતોની વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ, ટ્રાફિક નિયંત્રણ ઉપકરણો (સાઇન્સ, સિગ્નલ્સ અને રોડ માર્કિંગ્સ), તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માત વિશ્લેષણમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી. તાલીમને વધુ વ્યવહારુ અને જરૂરીયાત આધારિત બનાવવા માટે IRTE દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાના મુદ્દાઓ અંગે પ્રાથમિક સર્વે અને વિશ્લેષણ પણ કરવામાં આવ્યું, જેથી વર્તમાન પડકારોને સમજવા અને ચર્ચા દ્વારા યોગ્ય ઉકેલો શોધી શકાય.
આ કાર્યક્રમમાં પોલીસ, પરિવહન વિભાગ (RTO), માર્ગ અને મકાન, NHAI તથા શહેરી વિકાસ સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના 65થી વધુ અધિકારીઓએ સક્રિય ભાગ લીધો. વિભાગો વચ્ચે વધુ સારી સંકલન વ્યવસ્થા, કુશળતા વિકાસ અને ક્ષમતા નિર્માણ દ્વારા રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવાનો સંયુક્ત પ્રયાસ આ તાલીમ દ્વારા કરવામાં આવ્યો.
માર્ગ સલામતી માટે જાગૃતિ સાથે સાથે અધિકારીઓની મજબૂત ક્ષમતાનો વિકાસ અત્યંત આવશ્યક છે. સહયોગ, તાલીમ અને સંકલિત પ્રયાસો દ્વારા ગુજરાતમાં વધુ સુરક્ષિત માર્ગ વ્યવસ્થા વિકસાવવાની દિશામાં આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે નોંધાયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ