સ્વચ્છતા, ઊર્જા, સમૃદ્ધિ અને સુશાસનનું સમન્વય: ગોબરધન યોજના
- અત્યાર સુધીમાં 12 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ તૈયાર કરીને સ્વચ્છ-સ્વાવલંબી ગામના નિર્માણ તરફ ગુજરાતની આગેકૂચ - લાભાર્થીને માત્ર 5 હજારના રોકાણ થકી વૈકલ્પિક ઊર્જા, સ્વચ્છ વાતાવરણ, સારા આરોગ્યની સાથે રોજગારીની તકો ગાંધીનગર, 18 ડિસેમ્બર (હિ.સ.) : ગ
સ્વચ્છતા, ઊર્જા, સમૃદ્ધિ અને સુશાસનનું સમન્વય’ગોબરધન યોજના


સ્વચ્છતા, ઊર્જા, સમૃદ્ધિ અને સુશાસનનું સમન્વય’ગોબરધન યોજના


- અત્યાર સુધીમાં 12 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ તૈયાર કરીને સ્વચ્છ-સ્વાવલંબી ગામના નિર્માણ તરફ ગુજરાતની આગેકૂચ

- લાભાર્થીને માત્ર 5 હજારના રોકાણ થકી વૈકલ્પિક ઊર્જા, સ્વચ્છ વાતાવરણ, સારા આરોગ્યની સાથે રોજગારીની તકો

ગાંધીનગર, 18 ડિસેમ્બર (હિ.સ.) : ગ્રામીણ સ્તરે જૈવિક કચરાનો વ્યવસ્થિત ઉપયોગ કરી બાયોગેસ પ્લાન્ટ દ્વારા સ્વચ્છ ગેસ તેમજ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરી પશુપાલકોને પ્રોત્સાહન આપવાની કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના એટલે ‘ગોબર ધન યોજના’. આ યોજના અંતર્ગત રાજ્યમાં કમિશનર ગ્રામ વિકાસ કચેરી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ અત્યાર સુધીમાં ફેઝ-1 માં 7423 થી વધુ અને ફેઝ-2 માં 4820 એમ કુલ 12243 લાભાર્થીઓને વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટના નિર્માણ થકી લાભ આપવામાં આવ્યો છે. આમ, રાજ્ય સરકાર દ્વારા સુશાસન અને સંવેદનશીલ શાસનની ભાવનાથી ‘ગોબર ધન યોજના’ને માત્ર એક પર્યાવરણીય પહેલ તરીકે નહીં, પરંતુ ગ્રામ વિકાસના સર્વાંગી મોડેલ તરીકે વિકસાવવામાં આવી છે.

રાજ્યમાં ગ્રામીણ સ્તરે વધુમાં વધુ નાગરિકો ‘ગોબર ધન યોજના’નો લાભ લઈ શકે તે માટે

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 અને 2025-26માં 50 ક્લસ્ટર માટે 10 હજાર પ્લાન્ટ સ્થાપવા 25.50 કરોડની નવી બાબતની ૧૦૦ ટકા રાજ્ય ફાળા તરીકે મંજૂર કરવામાં આવી છે, જે રાજ્ય સરકારની વૈકલ્પિક ઊર્જા પ્રાપ્તિ અને સ્વચ્છતા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે. કુલ 42 હજારના ખર્ચે 2 ઘન મીટર ક્ષમતાવાળો બાયોગેસ પ્લાન્ટ તૈયાર થાય છે, જે બનાવવા માટે લાભાર્થીએ રૂ. 5 હજાર, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 25 હજાર તેમજ મનરેગા હેઠળ 12 હજારનો ફાળો આપવામાં આવે છે. આમ, લાભાર્થી માત્ર 5 હજારનું રોકાણ કરીને બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરી શકે છે.

ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાના માર્ગદર્શનમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-2 અંતર્ગત ગ્રામીણ વિસ્તારોને ઓડીએફ+ સ્ટેટસ તરફ લઈ જવા માટે ગોબરધન યોજના મહત્વની ભૂમિકા ભજવી રહી છે. બાયોગેસ પ્લાન્ટ દ્વારા પશુ છાણ અને બાયોડિગ્રેડેબલ કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરી વૈકલ્પિક ઊર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય સુધારણા, રોજગારીના અવસરો તેમજ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ખાતર મંડળીઓની સ્થાપના કરવામાં આવે છે. આ રીતે રાજ્ય સરકારે સુશાસનના મધ્યમથી ગ્રામીણ સ્તરે નાગરિકો સુધી વિવિધ યોજનાઓ પારદર્શક રીતે પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે.

રાજ્યના સામાન્ય, એસસી, એસટી સહિત તમામ પાત્ર પરિવારો કે જેમની પાસે બે અથવા વધુ ગાય-ભેંસ જેવાં પશુઓ હોય તે પરિવારો ‘ગોબરધન યોજના’નો લાભ લઈ શકે છે.

આ યોજના ખરેખર ગુજરાતને સ્વચ્છતા, ઊર્જા, રોજગારી અને સમૃદ્ધિના માર્ગે આગળ ધપાવતી લોકહિતકારી યોજના સાબિત થઈ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ તાલુકાના ખોડુ ગામના ‘ગોબરધન યોજના’ના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, મેં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની ગોબર ધન યોજનાનો લાભ જિલ્લા ગ્રામ વિકાસ કચેરી મારફત મેળવ્યો હતો. હાલમાં મારા સાત એકર જંગલ ફાર્મમાં ગોબર ધન પ્લાન્ટ કાર્યરત છે. અમે પશુધનનું ખાતર તો પ્લાન્ટમાં નાખીએ જ છીએ. જેનાથી અમને મળતા ગેસ દ્વારા વાડીએ ચૂલા મારફત ચાર લોકોની રસોઈ પણ બનાવીએ છીએ. ગોબર ધનની સ્લરી નીકળે તે સીધી કુંડીમાં નાખી બાદમાં ટપક પદ્ધતિ ખેતી પાકમાં છંટકાવ કરીએ છીએ, જેના પરિણામે મારા ખેતરમાં વાવેલા અંજીર, જાંબુ, દ્રાક્ષ, લીંબુ, મોસંબી, દાડમ, આયુર્વેદિક છોડ ઉપરાંત લીલા શાકભાજીનું સારું ઉત્પાદન થઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande