
સુરત, 2 ડિસેમ્બર (હિ.સ.)-શહેરના સારોલી વિસ્તારમાં આવેલ અંબિકા ઇન્ડ્રસ્ટીઝમાં અજાણ્યા તસ્કરોએ એક કરિયાણાની દુકાને નિશાન બનાવી હતી. તસ્કરો દુકાનમાં મુકેલા રોકડા રૂપિયા 50,000 તથા મોબાઈલ અને અલગ અલગ વસ્તુઓ મળી કુલ રૂપિયા 90,000 ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી ભોગ બનનાર વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના વતની અને સુરતના મગોબ વિસ્તારમાં લેન્ડમાર્ક માર્કેટની પાછળ આવેલ મોડર્ન ટાઉન પાર્કમાં રહેતા દિનેશકુમાર તેજારામ જલાંધરા કરિયાણાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સારોલીમાં અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં તેમની ઓમ નારાયણ જનરલ સ્ટોર નામની દુકાન આવેલી છે. તારીખ 26/11/2025 ના રોજ રાત્રે 10 વાગ્યાથી તારીખ 27/11/2025 ના રોજ સવારે સાડા પાંચ વાગ્યા સુધી તેમની દુકાન બંધ હતી. ત્યારે અજાણ્યા ચોર ઈસમોએ દુકાનને નિશાન બનાવી હતી અને દુકાનમાં શટરનો નકુચો તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ટેબલના ખાનામાં મુકેલા રોકડા રૂપિયા 50,000 તથા રૂપિયા 20,000 ની કિંમતના સિગરેટના 200 નંગ બોક્સ તથા મોબાઈલ સહિત કુલ રૂપિયા 90,000 ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી આખરે બનાવને પગલે દિનેશભાઈએ પુણા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે