જામનગરની લાલપુર ITI ખાતે એઇડ્સ, ટીબી અને નશા મુક્ત ભારત અભિયાન પર જાગૃતિ કાર્યક્રમો યોજાયા
જામનગર, 2 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વિશ્વ એઇડ્સ દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે એક વિસ્તૃત જાગૃતિ અને પ્રશ્નોત્તરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને એચ.આઈ.વી. એઇડ્સ, ટીબી મ
નશા મુક્ત ભારત અભિયાન


જામનગર, 2 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વિશ્વ એઇડ્સ દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે એક વિસ્તૃત જાગૃતિ અને પ્રશ્નોત્તરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને એચ.આઈ.વી. એઇડ્સ, ટીબી મુક્ત ભારત અભિયાન, અને નશા મુક્ત ભારત અભિયાન અંગે સચોટ માહિતી આપી તેમને જાગૃત કરવાનો પ્રેરક પ્રયાસ કરાયો હતો.

આ સેમિનારમાં આરોગ્ય વિભાગના નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને HIV નો ફેલાવો અને ગેરમાન્યતાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. HIV નું સંક્રમણ અસુરક્ષિત યૌન સંબંધ, ચેપગ્રસ્ત સોય કે સિરીંજનો ઉપયોગ, ચેપગ્રસ્ત લોહી ચઢાવવાથી, તેમજ HIV ચેપ ધરાવતી માતા દ્વારા ગર્ભાવસ્થા કે સ્તનપાન દ્વારા બાળકને થઈ શકે છે.

જોકે, હાથ મિલાવવાથી, સાથે ભોજન લેવાથી, વાસણોનો સહિયારો ઉપયોગ કરવાથી, ઉધરસ ખાવાથી કે મચ્છરના કરડવાથી HIV પ્રસરતો નથી. HIVના સામાન્ય લક્ષણોમાં તાવ, થાક, માથાનો દુખાવો, સાંધામાં દુખાવો, ત્વચા પર ફોલ્લીઓ, ઊબકા, ઊલટી, ઝાડા અને રાત્રે પરસેવો થવો વગેરેનો સમાવેશ થાય છે.

વક્તાઓએ સમજાવ્યું કે HIV વાયરસ મનુષ્યની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરીને તેને નબળી પાડે છે, જેના કારણે ટીબી થવાની સંભાવના સૌથી વધુ રહે છે. આથી, આરોગ્ય વિભાગ દ્વારા તમામ HIV દર્દીઓ માટે ટીબી રોગના રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. ટીબી ન જણાય તો પણ ભવિષ્યમાં રોગ અટકાવવા માટે તેમને ટી.પી.ટી. આપવામાં આવે છે.

ટીબીના મુખ્ય લક્ષણોમાં બે અઠવાડિયાથી વધુ સમયની ખાંસી, ગળફામાં લોહી આવવું, ભૂખ ન લાગવી, વજન ઘટવો અને સાંજના સમયે હળવો તાવ કે પરસેવો થવો નો સમાવેશ થાય છે. વધુમાં, HIVનો કોઈ ચોક્કસ ઉપાય ન હોવા છતાં, એન્ટી રેટ્રો થેરાપી સારવાર દ્વારા વાયરસને નિયંત્રણમાં રાખી શકાય છે, જેનાથી HIV ધરાવતા વ્યક્તિઓ લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકે છે.

આરોગ્ય નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને નશા મુક્ત ભારત અભિયાન હેઠળ વ્યસન મુક્તિનું મહત્વ સમજાવ્યું અને એક સ્વસ્થ, સુરક્ષિત તેમજ પ્રગતિશીલ સમાજ માટે નશાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને ઇન્ચાર્જ જિલ્લા ક્ષય અધિકારી ડો. ધીરેન પીઠડીયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા પી.પી.એમ. કોર્ડીનેટર ચિરાગ પરમાર, ડી.પી.એસ. વિકુન્દ રાઠોડ, અને લાલપુર તાલુકાના ટીબી સુપરવાઇઝર શ્રી પરેશ ભારાઇ દ્વારા વિદ્યાર્થીઓને વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, લાલપુર ITI સંસ્થાના પ્રિન્સીપાલ નીતિનભાઈ ચનીયારા, વાઇસ પ્રિન્સીપાલ હરદેવસિંહ જાડેજા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર્સ મેહુલભાઈ જાની, પ્રીતેશભાઈ જોષી, અને નીરજભાઈ દવેએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય સહકાર આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande