
પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની ભાટસણ પી.એમ. શ્રી ગુજરાત શાળામાં ગીતા જયંતિની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં આધ્યાત્મિકતા અને નૈતિક મૂલ્યોનો વિકાસ કરવાનું હતું. ઇન્ચાર્જ આચાર્ય કનુ સથવારાના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ થયો અને કાર્યક્રમના કન્વીનર નિલમબેન રાવળે ગીતા જયંતિના મહત્વ વિશે સુંદર સમજૂતી આપી.
શાળાના આચાર્ય શૈલેષસુથારના માર્ગદર્શન હેઠળ ગીતા મહોત્સવનું સફળ આયોજન થયું હતું. વિદ્યાર્થીઓએ ગીતા પૂજન, શ્લોક પઠન અને સુંદર પ્રાર્થના રજૂ કરતાં કાર્યક્રમને આધ્યાત્મિક ભાવનાથી ઓતપ્રોત બનાવી દીધો. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ મહાભારતના પ્રસંગોને નૃત્ય અને અભિનય દ્વારા જીવંત બનાવ્યા હતા.
કાર્યક્રમમાં ગીતા અને મહાભારત આધારિત ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરાયું જેમાં 'કેશવ', 'માધવ' અને 'કૃષ્ણ' એમ ત્રણ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક નિલેશ શ્રીમાળીએ સચોટ રીતે સંભાળ્યું અને ઉજવણીને સ્મરણિય બનાવી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ