
પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.) રાધનપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે ચિરાગ ચાવડાએ પોતાના જન્મદિવસને ટી.બી. (ક્ષયરોગ) દર્દીઓની સેવામાં સમર્પિત કર્યો. છેલ્લા નવ વર્ષથી તેઓ આ રીતે જરૂરિયાતમંદ દર્દીઓને પોષણ કીટ અને જરૂરી સામગ્રી આપીને મદદ કરી રહ્યા છે. આ વર્ષે 20 જેટલા ટી.બી. દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી.
ચિરાગ ચાવડા મોજમસ્તી કે પાર્ટી નહીં કરીને, જન્મદિવસને બીજાઓની ખુશી અને સહાય માટે સમર્પિત કરે છે. તેઓ માત્ર સામગ્રી જ નથી આપતા, પરંતુ આશા, પ્રેમ અને માનવીય સહાનુભૂતિ પણ ફેલાવે છે. ચાવડાનું મંતવ્ય છે કે, 'જન્મદિવસ એ માત્ર પોતાનો દિવસ નથી, પણ કોઈના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો અવસર છે.'
આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, આર.એમ.ઓ. ડૉ. કે.કે. પંચાલ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કેતનભાઈ ઠક્કર અને અનેક આરોગ્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા. ચિરાગભાઈના સતત નવ વર્ષના સેવા કાર્યથી અનેક લોકો પ્રેરિત થયા છે અને તેમના મિત્રોએ પણ સેવા પ્રકલ્પોમાં ભાગ લેવા પ્રેરણા મેળવી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ