
જામનગર, 2 ડિસેમ્બર (હિ.સ.) જામનગર મહાનગરપાલિકાના રણજીતનગર, સરુસેક્શન રોડ અને ગુલાબનગર વિસ્તારમાં આવેલા સિવિક સેન્ટરોમાં જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી વર્ષ 2020થી કોરોના કાળથી બંધ છે. જે હજી ચાલુ નથી થઈ આ ઉપરાંત હવે કોર્પોરેશન દ્વારા લાલપુર બાયપાસ પાસે અને ખંભાળીયા રોડ ઉપર પણ બે સિવિક સેન્ટરો શરુ કરવામાં આવ્યા છે. પરંતુ આ બે સેન્ટરો હાલ શોભાના ગાંઠીયા જેવા છે. જેમાં તમામ ગોઠવણો હજી બાકી છે. પરિણામે શહેરની આસપાસના વિસ્તારોની સોસાયટીના હજારો લોકોને જન્મ-મરણના દાખલા માટે હજી પણ કોર્પોરેશનની લાલબંગલા પાસે આવેલી કચેરીમાં ધક્કા ખાઈને લાઈનમાં ઉભવું પડે છે.
જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખાનો જન્મ થયો ત્યારથી આ શાખા ઉપર મરણતોલ વર્ક લોડ રહ્યા કર્યો છે. વર્ષ 2013માં શહેર 126 ચોરસ કીલોમીટરનું થયું અને હાલ 2025માં વસ્તી 8 લાખ જેટલી થઈ છે. કોર્પોરેશન પાસે પાંચ વિસ્તારોમાં પાંચ સીવીક સેન્ટરો છે. છતાં ત્યાં જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી થતી નથી. જુના ત્રણ સિવિક સેન્ટરો કોરોના કાળમાં લોક ડાઉનને કારણે બંધ થયા હતા. જે પુન: ચાલુ તો થઈ ગયા પરંતુ જન્મ મરણના દાખલા કાઢવાની સિસ્ટમ રાજ્ય સરકારે ફેરવી નાંખી હોવાથી ઈ-ઓળખ પોર્ટલના આઈડી-પાસવર્ડ મળી શક્યા ન હોવાથી આ સ્થળોએ જન્મ-મરણ દાખલાની કામગીરી શરુ થઈ જ નહીં.
પ્રજાએ બોચો ઝાલ્યો નહીં, અધિકારીઓએ ભારપુર્વક રજુઆતો કરી નહીં અને કોર્પોરેટરો, મેયરો, ચેરમેનો જેવા રાજકારણીઓ પણ સુષુપ્ત રહ્યા હોવાથી 3 વિસ્તારોમાં મળતી આ સુવિધા બંધ થઈ ગઈ છે.
જે ગઈકાલે તા.1 ડિસેમ્બર-2025ના રોજ પણ બંધ જ હતી. જામનગર મહાનગરપાલિકાના બિલ્ડીંગમાં આવેલી જન્મ-મરણ શાખામાં રોજની 350 જેટલી અરજીઓ આવે છે. જેની 4 કાઉન્ટરો ઉપર પ્રક્રિયા થાય છે. પરંતુ સર્વર ચાલુ હોય તો. કર્મચારીઓ જણાવે છે કે, દર બે-ત્રણ દિવસે સર્વરના ધાંધિયા રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt