

ગાંધીનગર, 2 ડિસેમ્બર (હિ.સ.) અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર શહેરના સેક્ટર 12 ખાતે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કામ સાથે સંકળાયેલા અને સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત 115 ઉપાસકોનુ 'અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ'થી સન્માન કરવામાં આવ્યું હતું.
હેરિટેજ વોક, લેખન તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતના વિવિધ માધ્યમો થકી રાજ્યના બાળકોથી માંડીને વડીલો સુધી ગુજરાતના ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાથી માહિતગાર કરવાના ભગીરથ કાર્ય સાથે જોડાયેલા અતુલ્ય વારસાની સમગ્ર ટીમને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના સૌ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા હતા. અને જણાવ્યું હતું કે, 'અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ 2025 નો આ સમારોહ માત્ર એવોર્ડ આપવાનો કાર્યક્રમ નથી, પરંતુ આપણી અસ્મિતા, આપણી ઓળખ અને આપણા મૂળિયાંઓને ઉજાગર કરવાનો મહાયજ્ઞ છે.
અતુલ્ય વારસાના પ્લેટફોર્મ થી ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવાનું કાર્ય કરી રહેલા આ સૌ સૈનિકોના કાર્યની પ્રશંસા કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ અડગ મનના માનવીઓ સાંસ્કૃતિક વારસાના સૈનિક તરીકે જે કાર્ય કરી રહ્યા છે તેમાં મહેનત વધુ અને સફળતા ધીમી છે. આ પ્રકારના શ્રેષ્ઠ કાર્ય માટે રાજ્ય સરકાર હંમેશા તેમની સાથે છે.
નાયબ મુખ્યમંત્રીએ સમગ્ર ટીમને ખાતરી આપી હતી કે, આ કામગીરીને વધુ ગતિ આપવા માટેના પ્લાનિંગ તૈયાર કરો, બજેટ માટે આ પ્રકારની કામગીરી ક્યારેય અટકશે નહીં.
નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના જોવાલાયક સ્થળો અને ઐતિહાસિક સ્થળો પર સ્વચ્છતા જાળવણીના મુદ્દા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ગુજરાતની ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે આપણે સૌએ આગળ આવવું પડશે. સ્વચ્છતાની જવાબદારી માત્ર સફાઈકામદારોની જ નહીં, આપણા સૌની છે. કચરો ગમે ત્યાં ન ફેંકવાની એક સામાન્ય આદત પણ ખૂબ મોટો બદલાવ લાવી શકે તેમ છે. આ બદલાવ માટે આપણે એક પગલું આગળ વધો, સરકાર દસ પગલાં આગળ વધશે.
હર્ષ સંઘવીએ અતુલ્ય વારસાની મજબૂત ટીમને એક મહત્વની જવાબદારી સોંપતા કહ્યું હતું કે, સૌથી જૂનું કેલેન્ડર આપણું વિક્રમ સંવત છે. રાજ્યના સૌ બાળકો, યુવાનો અને નાગરિકો વિક્રમ સંવતની ભવ્યતા, ઇતિહાસ તેમજ વિશેષતા સમજાવી શકે તે માટે આગામી બેસતા વર્ષ સુધીમાં ગુજરાતભરમાં ઓછામાં ઓછા 10 હજાર લોકોને તૈયાર કરો. દિવાળી પછી બેસતું વર્ષ કેમ ઉજવવામાં આવે છે તેની વિશેષતા સાથેનો સમગ્ર ઇતિહાસ ગર્વ સાથે ગુજરાતનો દરેક વ્યક્તિ સમજે અને બીજાને પણ સમજાવી શકે.
આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ.જયેન્દ્રસિંહ જાદવ, સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના મેનેજિંગ ડાયરેક્ટર રામ સવાણી તેમજ અતુલ્ય વારસો સંસ્થાના સ્થાપક કપિલ ઠાકર સહિત કલાપ્રેમીઓ, સંસ્કૃતિના ઉપાસકો અને 'અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ'થી સન્માનિત થયેલા 115 મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ