ફેમિલી કોર્ટ બાર એસો.ની ચૂંટણીપ્રમુખ પદ મહિલા માટે અનામત રખાતા ખોરંભે ચઢી
- પ્રમુખ અને ખજાનચીનું પદ મહિલાઓ માટે અનામત અમદાવાદ, 2 ડિસેમ્બર (હિ.સ.) આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનારી ફેમિલી કોર્ટ બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ અને ખજાનચીનું પદ મહિલાઓ માટે અનામત રાખવામાં આવતા ખોરંભે ચઢી,પ્રમુખ પદ મહિલા માટે અનામત રખાતા પૂર્વ પ
Ahmedabad City Civil and Sessions Court


- પ્રમુખ અને ખજાનચીનું પદ મહિલાઓ માટે અનામત

અમદાવાદ, 2 ડિસેમ્બર (હિ.સ.) આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનારી ફેમિલી કોર્ટ બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ અને ખજાનચીનું પદ મહિલાઓ માટે અનામત રાખવામાં આવતા ખોરંભે ચઢી,પ્રમુખ પદ મહિલા માટે અનામત રખાતા પૂર્વ પ્રમુખે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અરજી કરી જેથી ચુકાદો ન આવે ત્યાં સુધી ઉમેદવારી ફોર્મનું વિતરણ નહીં થાય.

અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ પરિસરમાં આવેલી ફેમિલી કોર્ટની બાર એસોસિએશનની ચૂંટણી હાલ વિવાદમાં સપડાઈ છે, આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનારી આ ચૂંટણીમાં પ્રમુખ પદ મહિલા માટે અનામત રાખવાના નિર્ણયને પૂર્વ હોદ્દેદારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG) સમક્ષ પડકાર્યો છે. જ્યાં સુધી બીસીજીનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી ઉમેદવારી ફોર્મનું વિતરણ અટકાવી દેવામાં આવ્યું છે.

19 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીને લઈને જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. જાહેરનામા મુજબ, આ ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની અવધિ 3 ડિસેમ્બર સુધીની છે અને સ્વીકારવાની અવધી 6 ડિસેમ્બર સુધીની છે.જ્યારે મતગણતરી 20 ડિસેમ્બરના રોજ યોજાવાની છે.આ ચૂંટણી ફેમિલી કોર્ટમાં એસોસિએશનના 6 હોદ્દેદારો અને 6 કારોબારી સભ્યોના પદ માટે યોજાવાની છે. હોદ્દેદારોમાં 6 પૈકી પ્રમુખનું પદ અને ખજાનચીનું પદ એમ બે પદ મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલા છે. જેમાં 17,500 રૂપિયાની ડિપોઝિટ ભરવાની રહે છે, જ્યારે કારોબારી સભ્યમાં પણ 6 પૈકી 2 પદ મહિલા માટે અનામત રાખવામાં આવેલા છે.

પ્રમુખ પદ માટેની લાયકાતમાં 10 વર્ષનો વકીલાતનો અનુભવ અને અગાઉની ચૂંટણીઓમાં હોદ્દેદાર અથવા કારોબારી સભ્ય તરીકે ચૂંટાયેલા હોવું જોઈએ. જ્યારે ખજાનચી માટે ઉપરની શરતોમાં 7 વર્ષનો વકીલાતનો અનુભવ માંગેલો છે.

આ બધાની વચ્ચે ફેમિલી કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ઉપ પ્રમુખ રહી ચૂકેલા ઇન્તેખાબહુસેન ખોખરે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અરજી કરી છે.

જેમાં જણાવ્યું છે કે,ચૂંટણી કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ મહિલા અનામતને પડકારતી અરજી ઉપર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચુકાદો આપે નહીં, ત્યાં સુધી ઉમેદવારી પત્રનું વિતરણ કરવામાં આવશે નહીં.

ગત બાર એસોસિએશનની ચૂંટણીમાં પણ મહિલા ઉમેદવારો ચૂંટાઈને આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ખજાનચીના પદમાં મહિલા અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત કમિટીમાં પણ 30 ટકા મહિલા અનામત રાખવામાં આવી છે, જેમાં પ્રમુખ પદના અનામતને લઈને કોઈ વાત કરવામાં આવી નથી. આથી ચૂંટણી કમિશનર આવું જાહેરનામું કરી શકે નહીં. આથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આ અંગે ખુલાસો કરે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande