
ગીર સોમનાથ 2 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ પાવન અવસર પર પ્રભાસ પાટણમાં રામ મંદિર ઓડીટોરીયમ ખાતે જિલ્લાકક્ષાના ગીતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાંતકુમાર સેનાપતિએ ગીતાજી સાર અને જીવનમાં ગીતા પઠનનું મહત્વ અને શ્લોકની ઉર્જા અને મહત્તા જણાવી જીવનમાં ગીતાજીના વિચારો કેટલા ઉપયોગી છે તે બાબતે વિશદ્ છણાવટ કરી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચાએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી અને સંસ્કૃતનો વધુ ને વધુ પ્રચાર અને પ્રસાર કરવા માટે તમામને અપીલ કરી હતી.
સોમનાથ સંસ્કૃત પાઠશાળાના આચાર્ય મિલન પંડયા અને રવિભાઈ પુરોહિત દ્વારા સંસ્કૃત ભાષા અને ગીતાજી વિશે રસપ્રદ વિગતો આપવામાં આવી હતી. કોડીનાર તાલુકાની ૦૬ વર્ષની ઝાલશ્રી રાયસિંહભાઈએ અનોખી છટામાં ગીતાજી વિશેનુ જ્ઞાન વર્ણવતા ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કર્યાં હતાં.
શંખનાદ સાથે મંત્રોચ્ચાર સાથે સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા ગીતાજીની પૂજનવિધિ અને ભગવદ્ ગીતાના બારમાં અને પંદરમાં અધ્યાયનું સમૂહ પારાયણ કરવામાં આવ્યું હતુ.
ઉપસ્થિત સર્વે એ ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા ગીતાજી વિશે તૈયાર કરવામાં આવેલ ટૂંકી ફિલ્મ પણ નિહાળી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ તાલુકાઓમાંથી આ કાર્યક્રમની સમિક્ષામાં ભાગ લીધેલા જુદા જુદા ગૃપના ઉમેદવારોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને બપોર બાદ ગીતા મંદિર ખાતે ગીતાજીના સાહિત્ય પ્રદર્શન અને ગીતાજી પૂજન કાર્યક્રમ યોજાયો હતો.
આ ઉજવણીમાં સંસ્કૃત ભારતીના આશાબેન માઢક, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ, કાર્યક્રમના નોડલ વી.બી.ખાંભલા અને ડીઈઓ કચેરીનો તમામ સ્ટાફ, જનસેવા ટ્રસ્ટના ભગવાનભાઈ સોલંકી, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ગુરૂજીઓ, ઋષિકુમારો તેમજ અધ્યાપન મંદિર અને સ્વામિનારાયણ ગુરૂકુળ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહભાગી થયાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ