

પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.) વિસનગરની એમ.એન. કોલેજના પ્રાધ્યાપક શક્તિ રામાનંદીએ દેશી ગાયના ગૌમૂત્ર અને જીવામૃતની ઘઉંના પાક પરની અસર અંગે મહત્વપૂર્ણ પીએચડી સંશોધન કર્યું છે, જે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, પાટણમાં ડો. ચિરાગ આચાર્યના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું હતું. ગીર, કાંકરેજ અને HF ગાયના મૂત્ર તેમજ બજારમાં મળતા ગૌમૂત્ર અર્કનું તેમણે રાસાયણિક પૃથક્કરણ પણ કર્યું.
સંશોધનમાં જાણવા મળ્યું કે ગીર અને કાંકરેજ ગાયના ગૌમૂત્રમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝિંક, આયરન, કોપર જેવા ઉપયોગી તત્વો અને પ્રોટીન તથા વિટામિન-સી જેવા પૌષ્ટિક ઘટકો સારી માત્રામાં છે. ઉપરાંત ખેડૂતો માટે જરૂરી નાઈટ્રોજન અને પોટેશિયમ જેવા લાભદાયી ઘટકો પણ ઉપલબ્ધ હોવાનું ખાતરી થયું.
દેશી ગાયના ગૌમૂત્ર અને છાણથી બનતા જીવામૃતના ઘઉંના પાક પરના પ્રભાવનું બે વર્ષ સુધી દેણપ ગામે રમેશભાઈ સુથારના ખેતરમાં અલગ-અલગ ટ્રાયલ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું. તારણ મળ્યું કે જીવામૃતના ઉપયોગથી જમીનમાં સૂક્ષ્મજીવ વધે છે, જમીન ફરી જીવંત બને છે અને ઘઉંનું ઉત્પાદન તથા ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થાય છે.
ગૌ આધારિત કૃષિના વિસ્તરણ માટે આ સંશોધન મહત્વપૂર્ણ પ્રેરણારૂપ બનશે તેમ પ્રાધ્યાપક રામાનંદીએ જણાવ્યું. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પોરિયાએ આ કાર્યને અભિનંદન પાઠવ્યા, જ્યારે રાજ્યપાલ અને રાજ્ય સરકાર પણ ગૌ આધારિત કૃષિને પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ