
જામનગર, 2 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા આગામી છઠ્ઠી ડિસેમ્બર, હોમગાર્ડઝ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ તારીખ ૦૫ ડિસેમ્બર, ૨૦૨૫ ને શુક્રવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતેથી મશાલ અને જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મશાલ રેલીને આમંત્રિત મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવશે જે જિલ્લા હોમગાર્ડઝ કચેરીથી શરૂ થઈ લાલ બંગલા સર્કલ, ભીડભંજન મહાદેવ મંદિર, ટાઉનહોલ સર્કલ થઈને લાલબંગલા પાસે આવેલ સિટી યુનિટની કચેરી ખાતે પૂર્ણ થશે.
સ્થાપના દિવસ, તારીખ ૦૬ ડિસેમ્બર, ૨૦૨૫ ને શનિવારના રોજ સવારે ૭:૩૦ કલાકે જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતેથી પ્રભાત ફેરી રૂપે હોમગાર્ડઝ સભ્યો ટાઉનહોલ ખાતે પહોંચશે. ત્યારબાદ, સવારે ૯:૩૦ કલાકથી ટાઉનહોલ ખાતે ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાયસ પ્રોગ્રામ શરૂ થશે.
આ પ્રસંગે હોમગાર્ડઝના જવાનોની ઉત્કૃષ્ટ સેવાને બિરદાવવામાં આવશે. જામનગરના નાગરિકોને આ જાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થવા જામનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt