


રાજકોટ, 2 ડિસેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશ્વ સંવાદ કેન્દ્ર સૌરાષ્ટ્રની વેબસાઇટનું અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ પ્રદીપ જોશીના રાજકોટ ખાતે વિમોચન કરવામાં આવ્યું. રાજકોટમાં સંઘના કાર્યાલય ડૉ.હેડગેવાર ભવન ખાતે પ્રદીપજી જોશીની અધ્યક્ષતામાં રવિવારે સાંજે વિશ્વ સંવાદ કેન્દ્ર સૌરાષ્ટ્રની વેબસાઇટના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે ઉપસ્થિત સ્વયંસેવકોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન યુગ વૈચારિક લડાઈનો યુગ છે, હિન્દુ વિરોધી તત્વોના પડકાર સામે આ વેબસાઇટ સ્વયંસેવકો અને સમાજને સાચી માહિતી પૂરી પાડવાનું કામ કરશે.
તેમણે જણાવ્યું હતું કે, ક્યારેક સંઘને સમજવાનો પ્રયાસ કરવો જરૂરી છે. સંઘની શરૂઆત થઈ ત્યારે દેશ માટે કાર્ય કરનારી અનેક સંસ્થાઓ હતી. આવા સમયે ડૉક્ટરજી દ્વારા સંઘ શરૂ કરવાનું શું કારણ હતું, તે વિચારવું જોઈએ. સમાજના રક્ષણ માટે અન્ય અનેક સંગઠનોની એક મર્યાદા હતી, જ્યારે સંઘે વિશેષ કાર્યશૈલીથી આ મર્યાદાઓ વટાવીને, સમગ્ર સમાજમાં રાષ્ટ્રચેતના ઊભી કરવાનું કાર્ય કર્યું છે.
તેમણે કહ્યું હતું કે, સમયની સાથે સંઘ વિચારની શક્તિ વધી છે.
સંઘ શરૂઆતથી જ સ્વ પ્રસિદ્ધિથી દૂર રહ્યો છે.પણ સમાજમાં સંઘ સાથે જેઓ નથી જોડાયેલા તેવા લોકો દ્વારા સંઘની છબી વિશે ભ્રમણાઓ ફેલાવાઈ. જેના કારણે સંઘ સામે અવરોધો વધ્યા હતા.
1992માં રામ જન્મભૂમિ આંદોલન પછી ભારતમાં આવેલા નવજાગરણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે,અમેરિકન નિષ્ણાત વોલ્ટર એન્ડરસન ભારતમાં જાગેલી નવચેતનાનો અભ્યાસ કરવા આવ્યો હતો. આ એન્ડરસને પોતાના પુસ્તક Brotherhood in Saffron માં સંઘ વિશે એવું લખ્યું છે કે, સંઘને સમજવો મુશ્કેલ છે પણ તેના વિશે ગેરસમજ બાંધવી સહેલી છે. આમ સમાજમાં સંઘ વિશે ફેલાયેલા અનેક ભ્રમ દૂર કરીને સાચી માહિતી આપવા માટે જ પ્રચાર વિભાગની શરૂઆત કરવામાં આવી છે.વિશ્વ સંવાદ કેન્દ્ર તેનો જ એક આયામ છે.
તેમણે કહ્યું હતું કે, સંઘ દ્વારા ગ્રાઉન્ડ વર્ક ઘણું કરવામાં આવ્યું છે. આજે અનેક લોકો એવા છે જેમનું ગ્રાઉન્ડ વર્ક નથી, પરંતુ તેમની વૈચારિક પહોંચ મોટી છે અને અનેક લોકો તેમને અનુસરે છે. આથી સંઘ હવે વૈચારિક લડાઈની દિશામાં આગળ વધી રહ્યો છે.
પ્રદીપજીએ આંતરરાષ્ટ્રીય વિવાદોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વિશ્વમાં ભારતનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે દુનિયાના કેટલાક લોકો ભારતનો અનેક રીતે વિરોધ શરૂ કરી રહ્યા છે, જેમ કે ત્રણ વર્ષ પહેલાં અમેરિકામાં 'Dismentling Global Hindutva' થીમ હેઠળ એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં હિંદુત્વ ખતમ કરવા પર ભાર મુકાયો હતો.
તેમણે કહ્યું કે, ભારત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે ત્યારે ભારત વિરોધીઓ પણ એક થઈ રહ્યા છે અને ભારતને રોકવા તમામ પ્રયાસો કરી રહ્યા છે. આથી સમાજને સાથે લઈ ચાલવું તે આપણી મોટી જવાબદારી છે.
તેમણે કહ્યું કે, વૈચારિક યાત્રામાં વિશ્વ સંવાદ કેન્દ્ર તરફથી લોકોને ઉત્તમ ભાથું મળે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. એવા અનેક વિષયો છે, જેવા વિશે લોકોમાં પૂરતી જાણકારી નથી. આ વેબસાઈટના માધ્યમથી આ વિષયો સમાજ સુધી પહોંચશે. સંઘ 100 વર્ષ બાદ શું કરશે, તે દિશામાં સમાજને માહિતી આપવી જરૂરી છે. હવે સજ્જન શક્તિને વિવિધ રીતે જોડીને સમાજનું સંગઠન એ જ મુખ્ય કાર્ય છે.
તેમણે કહ્યું હતું કે, સંઘે સમાજને જોડવા માટે પાંચ પરિવર્તન નક્કી કર્યા છે. આ વર્ષ જાગરણનું વર્ષ છે અને 10 વર્ષનું કાર્ય એક વર્ષમાં કરવાનું આયોજન છે.
વેબસાઇટને શુભકામના પાઠવતા તેમણે કહ્યું હતું કે, સમાજ જે વિષયોની અપેક્ષા રાખે છે, તે દેશહિત અને સમાજ હિતના વિષયોનું ભાથુ આ વેબસાઇટ મારફતે મળતું રહેશે.
વેબસાઇટ લોન્ચિંગ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ વિપુલ અધારા, સૌરાષ્ટ્ર પ્રાંતના વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્ર દવે, રાજકોટ મહાનગરના કાર્યવાહ આશીષ શુક્લ સહિતના મુખ્ય કાર્યકર્તા, સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ