





પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.)પાટણના અનાવાડામાં સરસ્વતી નદીના કિનારે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના હિતાર્થે રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો છે, જે 7 ડિસેમ્બર સુધી ચાલશે. કથાના મુખ્ય દાતા ચેતનભાઈ વ્યાસ પરિવાર અને નરેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા રોજ હજારો ભક્તો માટે ભોજન પ્રસાદની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભોજન માટે પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ ડોમ ગોઠવવામાં આવ્યા છે, જેમાં એકસાથે 10,000થી વધુ ભક્તો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા છે. કુલ 3 મોટા ડોમ રસોઈ, વખાર અને ભોજન માટે બનાવવામાં આવ્યા છે. 7 દિવસ માટે બપોર અને સાંજના અલગ-અલગ મેનુ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં મોહનથાળ, બુંદી, ફૂલવડી, દાળ-ભાત, પૂરી-રોટલી અને વિવિધ શાકભાજી જેવા આસલ ગુજરાતી સ્વાદનો સમાવેશ છે.
વિસ્તૃત રસોડામાં મોટા ભઠ્ઠાઓ પર મહાકાય તપેલાંમાં એકસાથે 20-25 હજાર લોકોનું ભોજન તૈયાર થાય છે. ટ્રેક્ટરભર મોહનથાળ, બુંદી અને અન્ય મીઠાઈઓ તૈયાર કરીને ભોજન પંડાલ સુધી પહોંચાડવામાં આવે છે. મશીન વડે શાકભાજી સમારવાનું અને પુરીઓ બનાવવાની કામગીરી સતત ચાલતી રહે છે.
અહીં દેશી ગાયના ઘીનો વિશાળ ઉપયોગ થાય છે—કુલ 1,100 ડબ્બા ઘી, 2,500 ડબ્બા તેલ અને 6,000 બોરી બટાટાનો ઉપયોગ થવાનો છે. રોજ 200 મણ લોટ, 250 મણ ચોખા અને 60 કટ્ટા દાળ રસોઈ માટે વપરાય છે. હજારો મણ મીઠાઈ તૈયાર કરવામાં આવી છે, જેમાં મોહનથાળ, બુંદી, ગાંઠિયા અને સેવનો સમાવેશ થાય છે.
રસોડામાં કુલ 450 લોકોનો સ્ટાફ કાર્યરત છે, જેમાં રસોઈયા, સહાયક અને વાસણ ધોવાની ટીમનો સમાવેશ થાય છે. 32 ચૂલાઓ પર અલગ-અલગ વાનગીઓ તૈયાર થાય છે. 30,000થી વધુ વાસણો માટે ત્રણ સ્તરની ધોવાની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી સ્વચ્છતા જળવાઈ રહે.
સમગ્ર રસોઈ વ્યવસ્થા રાત્રે 2 વાગ્યે શરૂ થાય છે અને સવારે 8 વાગ્યા સુધીમાં 50,000થી વધુ ભક્તોનું ભોજન તૈયાર થઈ જાય છે. રસોડામાં લાકડા પર સ્વસ્થ અને પરંપરાગત રીતથી રસોઈ બનાવવામાં આવે છે. સ્વચ્છતા માટે ઓપન ગટર લાઇન, પાણીના પોઈન્ટ અને કાદવ ન થાય તેવી ખાસ વ્યવસ્થા બનાવવામાં આવી છે.
આ કાર્યક્રમ માટે 100 વીઘાથી વધુ વિસ્તારમાં પંડાલો ઉભા કરાયા છે. 78 વીઘામાં પાર્કિંગ, 7 વીઘામાં વીઆઈપી પાર્કિંગ અને સંતો-પંડિતો માટે કુટીર બનાવવામાં આવ્યા છે. મુખ્ય કથા મંડપ 600 ફૂટ લાંબો અને 120 ફૂટ પહોળો છે, જેમાં 15,000થી વધુ લોકો બેસી શકે છે. ભોજન અને સેવા કાર્યોમાં લગભગ 1,000 સ્વયંસેવકો સતત જોડાયેલા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ