ઉંઝામાં સ્પાઇસ બોર્ડનું ક્ષેત્રીય કાર્યાલય સ્થાપવાની મહેસાણા સાંસદની લોકસભામાં માંગ
મહેસાણા, 2 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં કલમ 377 હેઠળ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવતા ઉત્તર ગુજરાતના મસાલા ઉત્પાદક ખેડૂતોના હિતમાં ઉંઝા ખાતે સ્પાઇસ બોર્ડ ઓફ ઈન્ડિયાનું ક્ષેત્રીય કાર્યાલય સ્થાપવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે દેશ
ઉંઝામાં સ્પાઇસ બોર્ડનું ક્ષેત્રીય કાર્યાલય સ્થાપવાની મહેસાણા સાંસદની લોકસભામાં માંગ


મહેસાણા, 2 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં કલમ 377 હેઠળ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવતા ઉત્તર ગુજરાતના મસાલા ઉત્પાદક ખેડૂતોના હિતમાં ઉંઝા ખાતે સ્પાઇસ બોર્ડ ઓફ ઈન્ડિયાનું ક્ષેત્રીય કાર્યાલય સ્થાપવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે દેશના કુલ મસાલા ઉત્પાદનમાંથી ઉત્તર ગુજરાતનો હિસ્સો આશરે 40 ટકા જેટલો છે, જ્યારે ઊંઝા બજાર દેશનું સૌથી મોટું જીરું અને વરિયાળીનું બજાર તરીકે ઓળખાય છે. છતાં પણ આ વિસ્તારમાં મસાલા પાકના વિકાસ અને સંવર્ધન માટે કોઈ વિશેષ સુવિધા કે કેન્દ્રિય વ્યવસ્થા ઉપલબ્ધ નથી.

હાલ સ્પાઇસ બોર્ડનું મુખ્ય મથક કોચી, કેરળ ખાતે છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતો, વેપારીઓ અને નિકાસકારોને યોજનાઓનો લાભ લેવા માટે મુંબઈ અથવા કોચી સુધી જવું પડે છે. સમય અને ખર્ચ વધતા અનેક ખેડૂત લાભથી વંચિત રહી જાય છે. સાંસદ હરિભાઈ પટેલે રજૂઆત કરી કે ઉંઝામાં ક્ષેત્રીય કાર્યાલય સ્થાપાય તો મસાલા પાક માટે ટેકનિકલ માર્ગદર્શન, ગુણવત્તા પરીક્ષણ, નિકાસ પ્રોત્સાહન, સબસિડી સહિતની સુવિધાઓ સ્થાનિક સ્તરે સરળતાથી મળી શકશે.

સાંસદની આ રજૂઆતથી ઉત્તર ગુજરાતના ખેડૂતો અને વેપારીઓમાં આશા જાગી છે. ઉંઝા APMC અને મસાલા વેપારીઓએ આ માંગનું સ્વાગત કરી ત્વરિત પગલાંની અપેક્ષા વ્યક્ત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande