


- સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા અંતર્ગત સાધલી ખાતે યોજાયેલી સરદાર ગાથામાં રક્ષા મંત્રી સહભાગી બન્યા
- સરદાર વલ્લભભાઈ પટેલે પોતે એકવાર કહ્યું હતું કે, હું નેતા નથી, હું સૈનિક છું. તેમનું આખું જીવન એક સૈનિકની જેમ વીત્યું હતું
વડોદરા, 2 ડિસેમ્બર (હિ.સ.) સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા અંતર્ગત સાધલી ખાતે યોજાયેલી સરદાર ગાથામાં સંબોધન કરતા રક્ષા મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે,એક રાજકીય વર્ગ ઈચ્છતો હતો કે સરદાર વલ્લભભાઈ પટેલ ઇતિહાસના પાનામાં ખોવાઈ જાય. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ઇતિહાસના પાનામાં ચમકતા સિતારા તરીકે પુનઃસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સરદાર પટેલે ભારતને આઝાદ કરાવવામાં અને તેની એકતા-અખંડિતતા સુરક્ષિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આઝાદ ભારતમાં રાજકીય ક્ષેત્રે કામ કરનારા નેતાઓ પ્રત્યે અવિશ્વાસનું સંકટ પેદા થયું હતું, જ્યાં લોકો કહેતા હતા કે નેતા બોલે છે કંઈક અને કરે છે કંઈક !
ઉક્ત સંદર્ભમાં રક્ષા મંત્રીએ ઉમેર્યું કે, કહેવું અને કરવું (કથની અને કરની) વચ્ચે અંતર ન હોવું જોઈએ. આ પ્રેરણા વર્તમાન સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ પાસેથી લીધી છે. ભારતના રાજકારણમાં કામ કરનારા લોકોએ કથની અને કરનીમાં અંતર પેદા કરીને નેતાઓ પ્રત્યે અવિશ્વાસનું સંકટ ઊભું કર્યું હતું. જેને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમારી સરકારે વિશ્વાસના રૂપમાં સ્વીકાર્યું અને દૂર કર્યું છે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ, અને જે અમે કરી શકતા નથી, તે અમે બોલતા નથી. સરદાર પટેલે ફક્ત સરકાર બનાવવાની રાજનીતિ નહોતી કરી, પણ ભારત દેશના નિર્માણ માટે રાજનીતિ કરી હતી
તેમણે કહ્યું કે, સરદાર પટેલે ભારતને એકતાના સૂત્રમાં પરોવવામાં જે ભૂમિકા ભજવી છે, તે અસાધારણ હતી. જે સમસ્યાઓના સમાધાનની જવાબદારી તેમને નહોતી અપાઈ, તેને ઉકેલવામાં દાયકાઓ લાગ્યા. જ્યારે, સરદાર પટેલે પોતાની જવાબદારીનું બખૂબી નિભાવી હતી. જેના પરિણામે આજે ભારત એક અને અખંડ છે. તેમણે શાંતિની કૂટનીતિ અને શિવાજીના શૌર્ય અને પરાક્રમનો સમન્વય તેમના નેતૃત્વમાં દર્શાવ્યો હતો. તેમણે દેશના દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરાવ્યું હતું. ગાંધીજીએ જે વિચાર્યું, તેને સરદાર પટેલે અમલમાં મૂક્યું હતું.
રક્ષા મંત્રીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે પોતે એકવાર કહ્યું હતું કે, હું નેતા નથી, હું સૈનિક છું. તેમનું આખું જીવન એક સૈનિકની જેમ વીત્યું હતું. જેમણે શિસ્તબદ્ધ રહીને પોતાના કર્તવ્યોનું પાલન કર્યું હતું. તેમણે હંમેશા દેશને સર્વપ્રથમ રાખવાનું કામ કર્યું હતું. બ્રિટિશ સરકાર દ્વારા કર વધારવાના વિરોધમાં તેમણે સક્રિય આંદોલન ચલાવ્યું હતું. આ આંદોલન બાદ જ બારડોલીની મહિલાઓએ તેમને 'સરદાર'નું બિરુદ આપ્યું હતું. તેઓ ખેડૂતો પ્રત્યે પણ સંવેદનશીલ હતા અને માનતા હતા કે જ્યાં સુધી દેશનો ખેડૂત ખુશહાલ નહીં હોય ત્યાં સુધી ભારત ખુશહાલ નહીં થઈ શકે.
વર્ષ 1931માં કોંગ્રેસના લાહોર અધિવેશનની અધ્યક્ષતા સરદાર પટેલે કરી હતી આ અધિવેશનમાં જ ‘પૂર્ણ સ્વરાજ’ની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી હતી. આર્થિક કાર્યક્રમોના પ્રસ્તાવ સાથે મૌલિક અધિકારો અને ફરજિયાતપ્રાથમિક શિક્ષણ સંબંધિત પ્રસ્તાવો પણ આ અધિવેશનમાં પારિત કરવામાં આવ્યા હતા. સરદાર પટેલની વિરાસત માત્ર એકતા અને અખંડિતતાની જ નહીં, પરંતુ મજબૂત સિવિલ સર્વિસ (પ્રશાસન) અને જાહેર જીવનમાં પ્રામાણિકતાની પણ છે.
સરદાર પટેલમાં કૌટિલ્યની કૂટનીતિ અને શિવાજીનું પરાક્રમ જોવા મળતું હતું, જેનું પરિણામ હૈદરાબાદના વિલયમાં જોવા મળ્યું હતું. જો કાશ્મીરના વિલય સમયે સરદાર પટેલની તમામ વાતો માનવામાં આવી હોત, તો ભારતે લાંબા સમય સુધી આ સમસ્યાનો સામનો ન કરવો પડ્યો હતો. આજે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારે આ જ મૂલ્યોને આદર્શ બનાવ્યા છે, અને શાંતિ ન સમજતા લોકોને યોગ્ય જવાબ આપવાની ક્ષમતા ભારત રાખે છે. કલમ 370 નાબૂદ કરીને કાશ્મીરને ભારતના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું કામ સરળ નહોતું, પરંતુ તે મોદી દ્વારા કરવામાં આવ્યું છે. આજે ભારત વિશ્વ સાથે તેની શરતો પર વાત કરે છે.
વડાપ્રધાન મોદી ભારતને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે સાંસ્કૃતિક, સામાજિક, આધ્યાત્મિક અને આર્થિક એકતાના સૂત્રમાં બાંધવાનું કામ કરી રહ્યા છે, જેને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે
સરદાર પટેલ તુષ્ટિકરણમાં વિશ્વાસ નહોતા કરતા. તેમણે સરકારી પૈસાનો ઉપયોગ બાબરી મસ્જિદ બનાવવા માટે રોક્યો હતો અને સોમનાથ મંદિરના પુનર્નિર્માણને સમર્થન આપ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર પણ સરકારના ખજાનામાંથી નહીં, પરંતુ દેશની જનતાના ખર્ચે બની રહ્યું છે. સરદાર પટેલની આ વિરાસતને જાળવી રાખવાની જવાબદારી દેશની આવનારી પેઢીને સોંપવામાં આવી છે. મંત્રીએ અંતમાં કહ્યું કે આપણે ભારતના સંસ્કારોને પૂરી નિષ્ઠા અને પવિત્રતા સાથે જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરવો જોઈએ.
આ વેળાએ રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ