
વડોદરા, 2 ડિસેમ્બર (હિ.સ.) વડોદરા જિલ્લાના સાધલી ખાતે યોજાયેલી સરદાર ગાથામાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ સરદાર પટેલને ભારતના નકશાના સર્વોચ્ચ શિલ્પી ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિએ આજે આપણે જે સ્વરૂપમાં ભારતનો નકશો જોઈ રહ્યા છીએ તે દેશ સમક્ષ રજૂ કરવાનો સૌથી સફળ પ્રયાસ કર્યો હોય, તો તે સરદાર વલ્લભભાઈ પટેલ હતા.
કટારિયાએ કહ્યું કે, ગુજરાત હંમેશા સરદાર વલ્લભભાઈ પટેલની કલ્પના મુજબની ઉન્નતી તરફ દેશને દોરી જશે, જે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' છે. જો કોઈને ભારતના સૌથી મહાન નેતા અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી કહી શકાય, તો તે સરદાર વલ્લભભાઈ પટેલ છે.
કટારિયાએ આધુનિક ભારતની રચનાની શરૂઆત કરનાર આ મહાન પુરુષના પડકારો વિશે વાત કરી હતી. તેમણે યાદ કર્યું કે જ્યારે રજવાડાઓને એક કરવાનો પ્રશ્ન ઊભો થયો, ત્યારે અંગ્રેજોએ ચાલાકીપૂર્વક ભારતને ટુકડાઓમાં સ્વતંત્રતા આપી. દેશ લોહીલુહાણ થઈ રહ્યો હતો અને રજવાડાઓને પાકિસ્તાનમાં જોડાવા, ભારતમાં રહેવા અથવા સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવી હતી. સરદાર પટેલે આ પડકાર ઝીલીને બહાદુરીપૂર્વક દેશભક્તિ જાગૃત કરી અને *ભારતના ૫૬૨ નાના રજવાડાઓને એક કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્વતંત્રતા અનિવાર્ય હતી, પરંતુ તે સ્વતંત્રતા ભારતની એકતા અને શક્તિને ટુકડાઓમાં વિભાજીત કરીને નાશ કરી શકે તેમ હતી.
રાજ્યપાલે જૂનાગઢ અને હૈદરાબાદના એકીકરણના ઉદાહરણો આપીને સરદાર પટેલની દ્રઢતાને લોખંડી પુરુષ તરીકે ઓળખાવી હતી. તેમણે કહ્યું કે જૂનાગઢમાં બહુમતી હિન્દુઓનો અવાજ હતો કે 'આપણે કોઈપણ કિંમતે પાકિસ્તાનમાં જોડાઈશું નહીં. રદાર પટેલના નેતૃત્વને કારણે જૂનાગઢના નવાબ પાકિસ્તાન ભાગી ગયા અને જૂનાગઢ ભારતનો ભાગ બન્યો હતું. હૈદરાબાદમાં પણ નવાબે વિરોધ કર્યો હતો, પરંતુ જો કોઈ બળ દ્વારા વિરોધ કરીને દેશને એક કરી શકે, તો તે સરદાર વલ્લભભાઈ પટેલ હતા.
તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રના આત્મસન્માનને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ નરેન્દ્ર મોદીએ કર્યો છે, જેઓ પણ ગુજરાતના છે અને સરદાર પટેલના લોહીને કારણે જ તેમણે આજે આ દેશને તેની ઊંચાઈએ પહોંચાડ્યો છે.
કટારિયાએ ભારતીય સંસ્કૃતિના સ્વાભિમાનના પ્રતીક એવા સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અંગે સરદાર પટેલની પ્રતિબદ્ધતાને યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે સોમનાથ પર ઘણી વાર હુમલો થયો અને તેનો નાશ થયો. સ્વતંત્રતા પછી, સરદાર પટેલે સૌપ્રથમ આ સ્થાનને પુનસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો, તત્કાલીન વડાપ્રધાન આના પક્ષમાં ન હતા. સરદાર પટેલે સ્પષ્ટ કહ્યું કે અમને કોઈ સરકારી સહાયની જરૂર નથી. અમે જનતાના સહયોગથી મંદિર બનાવીશું. તેમણે માહિતી આપી કે આજે આ મંદિર ૧૫૨ ફૂટ ઊંચું છે, જે સરદાર પટેલના સમર્પણ અને જનતાના સમર્થનને કારણે છે. તેમણે એ પણ યાદ કરાવ્યું કે વડા પ્રધાનની અનિચ્છા છતાં, સરદાર પટેલની ઇચ્છા અનુસાર, રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે સોમનાથના કાર્યક્રમમાં હાજરી આપી તેનું ઉદ્ઘાટન કર્યું હતું.
અંતમાં, રાજ્યપાલ કટારિયાએ યુવાનોને સંબોધતા કહ્યું હતું કે આજે આપણે જે એક ભારત જોઈ રહ્યા છીએ, તે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી જ બન્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આજે ભારત એક છે અને ભવિષ્યમાં પણ એક રહેશે. વિશ્વની કોઈ શક્તિ તેને તોડી શકશે નહીં.
તેમણે આ પદયાત્રામાં ભાગ લેવા બદલ યુવાનોને અભિનંદન આપ્યા અને કહ્યું કે આનાથી ગુજરાતના યુવાનોને જ નહીં પણ સમગ્ર દેશના યુવાનોને જાગૃત કરવાનો પાયો નંખાયો છે. તેમણે ઉપસ્થિત સૌને હાકલ કરી કે સરદાર પટેલની ઇચ્છા અનુસાર, ભારતને વિશ્વનો નંબર વન દેશ બનાવવા માટે દરેક વ્યક્તિ પોતાનું આખું જીવન સમર્પિત કરે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ