
અમરેલી,2 ડિસેમ્બર (હિ.સ.) સાવરકુંડલા શહેરના રેલવે વિભાગ સંબંધિત જરૂરી પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને ઝડપી ઉકેલવા આજે રેલવે અધિકારીઓ સાથે સ્થળ પર જઈ વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું. શહેરમાં વધી રહેલા વાહનવ્યવહાર અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ફાટકોના કારણે થતા વિલંબ અને અકસ્માત જેવી પરિસ્થિતિઓ દૂર કરવાનો ગંભીર વિચાર રજૂ થયો.
વિશેષ કરીને મહુવા રોડ માર્કેટિંગ યાર્ડ આસપાસ અને જેસર રોડ ફાટક નજીક આવેલા અંડરબ્રિજનું ધ્યાન આકર્ષાવી તેને વધુ પહોળું કરવા તેમજ સલામતીના ધોરણોને વધુ મજબૂત બનાવવા સંબંધિત મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા. ફાટક બંધ થવાથી રોજગારના કામે જતાં લોકો, વિદ્યાર્થી વર્ગ અને એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સેવાઓને આવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ પગલાં અનિવાર્ય છે, એવું પણ અધિકારીઓને સમજાવવામાં આવ્યું.
સાવરકુંડલાને સંપૂર્ણ રીતે ફાટક મુક્ત શહેર બનાવવાનો લાંબા ગાળાનો લક્ષ્ય રાખીને રેલવે વિભાગ સાથે સંકલન વધારી ભવિષ્યમાં વધુ વિકાસ કામો હાથ ધરવામાં આવશે. રેલવે અધિકારીઓએ પણ આ વિષયને પ્રાથમિકતા આપી આયોજન તરફ સકારાત્મક વલણ દર્શાવ્યું.
આ નિરીક્ષણથી શહેરવાસીઓ માટે સુવિધાજનક, ઝડપી અને સુરક્ષિત વાહનવ્યવહાર સુનિશ્ચિત કરવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai