
પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ.)પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે હાંસાપુર જોગણી માતાના મંદિર પાસે એક શખ્સ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે હાંસાપુર વિસ્તારમાં તપાસ કરી હતી. ત્યાંથી પારખનજી શંભુજી ઠાકોર (રહે. હાંસાપુર, પાટણ)ને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન તેની પાસેથી “MONOFIL GOLD” લખેલી નાયલોન (ચાઈનીઝ) દોરીની 5 ફિરકીઓ મળી આવી હતી. દરેક ફિરકી અંદાજે 5000 વારની હતી અને કુલ કિંમત રૂ. 1,000 આંકવામાં આવી છે. પોલીસે આ મુદ્દામાલ કબજે કર્યો છે.
પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચાઈનીઝ માંઝા અને નાયલોન દોરીના ઉપયોગ તથા વેચાણ પર પ્રતિબંધ મુકતો જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ