અંબિકા તાલુકાના વસરાઈ ખાતે નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર યોજાશે
સુરત, 21 ડિસેમ્બર (હિ.સ.) : આદિવાસી કલા, સંસ્કૃતિ, સ્વરોજગાર અને ઉદ્યોગોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા તેમજ આદિવાસી કારીગરો અને વ્યવસાયિકોને પ્લેટફોર્મ આપી બજાર સાથે જોડવાના ઉદ્દેશ્યથી સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે દિશા ફાઉન્ડેશન દ્વારા ર
સુરત


સુરત, 21 ડિસેમ્બર (હિ.સ.) : આદિવાસી કલા, સંસ્કૃતિ, સ્વરોજગાર અને ઉદ્યોગોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા તેમજ આદિવાસી કારીગરો અને વ્યવસાયિકોને પ્લેટફોર્મ આપી બજાર સાથે જોડવાના ઉદ્દેશ્યથી સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે દિશા ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર (NTTF-2025) યોજાશે. સમસ્ત આદિવાસી સમાજ-ગુજરાત રાજ્ય અને સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત ભારતના સૌથી મોટા આદિવાસી ઉદ્યોગ મેળા અને સાંસ્કૃતિક મહોત્સવનું ઉદ્દઘાટન તા.૨૬મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રેડ ફેરને ખુલ્લો મૂકવામાં આવશે, એમ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે દ્વારા જણાવાયું છે.

મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં બારડોલી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદ માં મંત્રીએ કહ્યું હતું કે, તા.૨૬થી ૨૯ ડિસેમ્બર-2025 દરમિયાન સવારે ૧૦.૦૦ થી રાત્રે ૧૧.૦૦ વાગ્યા દરમિયાન આયોજિત આ આ ટ્રેડફેર અને સાંસ્કૃતિક સમારોહમાં ત્રણ લાખથી વધુ લોકો જોડાશે. લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ, સ્પર્શ સમવેદના ફાઉન્ડેશન ટ્રસ્ટ, આદિવાસી વિકાસ કેડીટ કો.ઓ.સોસાયટી અને ગ્લોબલ ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ પણ સહઆયોજક છે.

આ ઉદ્યોગ મેળામાં કેન્દ્ર સરકારના ૪ કેબિનેટ અને રાજ્ય મંત્રીઓ, દેશના ૫ રાજ્યોના આદિજાતિ મંત્રીઓ, આદિવાસી સાંસદ-ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. NTTFના મુખ્ય આકર્ષણોમાં ૩૫૦થી વધુ સ્ટોલમાં પરંપરાગત હસ્તકલાથી લઈ વિશાળ બિઝનેસની ચીજવસ્તુઓ વેચાણ સહ પ્રદર્શિત થશે. ૯૦ પરંપરાગત આદિવાસી ખાના- ખજાના સ્ટોલ, ૧૦૦૦ થી વધુ બિઝનેસ સાહસિકો જોડાશે તેમજ ૧૦ હજારથી વધુ વ્યવસાયકારો, ધંધાર્થીઓ, બિઝનેસ ઓનરોનું નેટવર્ક બનાવવાનું આ મોટું પ્લેટફોર્મ બનશે. આનો મુખ્ય આશય આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર આદિવાસી બને તે રહેલો છે.

સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયાએ જણાવ્યું હતું કે, ભારત અને ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના સહયોગ થી આદિવાસી ઉદ્યોગ મેળો યોજાઇ રહ્યો છે. દેશભરમાંથી આદિવાસી ઉધોગકારો ભાગ લેશે.

૧૨ રાજ્યોના ૪ દિવસના રાત્રિ ભાતીગળ, પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સાહિત્ય સભા, ૧૫૦ જ્ઞાતિ મંડળોની વિશેષ સભા-સંમેલન અને ૨૦ હજાર કર્મચારીઓ અને મંડળોની ભવ્ય સભા યોજાશે. ખાસ કરીને ટ્રાઈબલ મ્યુઝિયમ (A Living Heritage Experience) તેમજ સમગ્ર ભારતના ૧૦૦૦ થી વધુ ડેલિગેટસ હાજર રહેશે.

૪ દિવસમાં ૭ બિઝનેસ સેમિનાર સેશન, ૩ હજાર મહિલાઓ માટે સશક્તિકરણ સેમિનાર, ૫ હજાર વિદ્યાર્થીઓ- રોજગારવાંચ્છુઓ માટે માર્ગદર્શન, બિઝનેસ તાલીમ અને મોટિવેશનલ સેમિનાર તેમજ ૩ હજાર ખેડૂતો માટે કૃષિ–વિકાસ સેમિનાર યોજાશે. નાના ઉદ્યોગકારો, યુવા ઉદ્યમીઓને પ્લેટફોર્મ મળશે: સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલાને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવાનો પ્રયાસ

આ મેળો નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એક ઉત્તમ તક પૂરું પાડે છે. યુવા ઉદ્યોગકારો માટે નવી વ્યાપારિક તક, બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) મુલાકાતો, નેટવર્કિંગ તેમજ તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. MSME ક્ષેત્રને મજબૂ બનાવવા માટે વિવિધ સ્કીમો અને યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

મેળાના માધ્યમથી આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, લોકનૃત્ય, લોકસંગીત અને પરંપરાગત જીવનશૈલીને પ્રચાર મળશે. સાથે સાથે સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે, જેનાથી આદિવાસી કારીગરોની આવકમાં વધારો થશે અને આત્મનિર્ભરતા વધશે. આદિવાસી સમુદાય માટે રોજગાર, વ્યવસાય અને વિકાસની નવી તકો ઊભી કરશે.

અહીં પરંપરાગત હસ્તકલા, કલાત્મક શિલ્પ, વસ્ત્રો, ઘરેણાં, વાંસ અને લાકડાના ઉત્પાદનો, ઔષધીય વસ્તુઓ તેમજ ખાદ્ય પદાર્થોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ મેળો આદિવાસી સમાજ માટે રોજગાર, વ્યવસાય અને વિકાસની નવી તકો ઊભી કરશે તેમજ 'આદિવાસી સંસ્કૃતિથી ઉદ્યોગ સુધી'ના માર્ગને વધુ મજબૂત બનાવશે.

દેશના દરેક ઉદ્યોગસાહસિક, યુવા, મહિલા, ખેડૂત, વિદ્યાર્થી અને આગેવાનોને જોડાવા દિશા ફાઉન્ડેશન, દિશા ધોડીયા સમાજ-વસરાઈ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande