
સુરત, 21 ડિસેમ્બર (હિ.સ.) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રમતગમત, યુવા પ્રવૃત્તિઓ રાજ્ય મંત્રી ડો.જયરામભાઈ ગામીતના હસ્તે આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી (આદિજાતિ વિકાસ વિભાગ) અને તેમજ નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર અને વનૌષધિ પ્રદર્શન’ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તા.27 સુધી સવારે 11:00 થી રાત્રે 10:00 કલાક સુધી આદિવાસી હસ્તકલાકૃતિઓ અને વનૌષધિ, ઉત્પાદનોનું વેચાણ સહ પ્રદર્શન કરવામાં આવશે.
આ પ્રસંગે મંત્રી ડો.જયરામભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં આવા મેળાઓ મહત્વની ભૂમિકા ભજવે છે. આદિવાસી કલાકારો અને સ્થાનિક કારીગરોને સીધું બજાર પૂરું પાડવાનો આ પ્રશંસનીય પ્રયાસ છે.
મેળામાં હાથશાળ, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, માટીકામ, વાંસકામ અને જ્વેલરી જેવી અનેક ચીજવસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથે જ શુદ્ધ વનૌષધિઓ અને પરંપરાગત આદિવાસી આહારના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે.
મેળા દરમિયાન તા.27 સુધી દરરોજ રાત્રે 8:00 થી 9:00 વાગ્યા સુધી પ્રખ્યાત આદિવાસી નૃત્ય ટીમો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવશે. સુરતવાસીઓ તેમજ યુવક મહોત્સવમાં આવનારા વિદ્યાર્થીઓને આ મેળાની મુલાકાત લઈ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા મંત્રીએ તેમજ કુલપતિએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કુલપતિ ડો.કે.એન.ચાવડા, કુલસચિવ ડો.રમેશદાન ગઢવી, આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને સુરતવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે