
જામનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) જામનગર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ પ્રજાલક્ષી અને ખાસ કરીને ખેડૂતોના હિતના વિવિધ પ્રશ્નો રજૂ કરી તંત્ર પાસે તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી, ઓકટોબર મહિનામાં પડેલા કમોસમી વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક નુકશાની થવા પામી હતી જે અન્વયે સરકાર દ્વારા હેક્ટર દીઠ માત્ર 22000 રૂપિયાની જ સહાય ચુકવવામાં આવી રહી છે અને એ પણ મહતમ બે હેક્ટરની મર્યાદામાં જ.
પરંતુ દુખની વાત તો એ છે કે આ રકમ જ્યારે ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ કે તરત જ બેંક દ્વારા જે ખેડૂતોના ધિરાણ ભરાયું ના હોય તેવા ખેડૂતોના રૂપિયા હોલ્ડ કરી દેવામાં આવ્યા ત્યારે હેમંત ખવા દ્વારા આ બાબતે સંકલનમાં પ્રશ્ન રજૂ કરી ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવી અને ચર્ચાઓના અંતે કલેકટર દ્વારા લીડ બેંક મેનેજરને સૂચના આપવામાં આવી કે ખેડૂતોના ખાતામાં જમા થયેલ પાક નુકશાનીની સહાય તેમજ પીએમ કિસાન સમ્માન નિધિના રૂપિયા કોઈપણ બેંક હોલ્ડ ના કરી શકે અને તે રૂપિયા ખેડૂતોને આપી દેવા.
લાલપુર તાલુકાના વાવડી ગામના ગૌચર મુદે પ્રશ્ન રજૂ કરી હેમંત ખવાએ ગૌચર નિમ કરવા રજૂઆત કરી હતી. લાલપુર તાલુકાના નવી પીપર ગામમા પણ ગૌચરની જમીનના ગામ નમૂના નં.7/12 ના પાનિયા બંધ થઈ ગયા તે બાબતે ડીએલઆર દ્વારા વહેલી તકે માપણી કરી પાનિયા ચાલુ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
ગૌચર બાબતે ધારાસભ્યએ કલેક્ટરને રજુઆત કરતાં જણાવ્યું હતું કે પ્રમોલગેશન કે ડિજિટલાઈઝેશન બાદ ઘણા ગામોમાં ગૌચરના ક્ષેત્રફળ ઘટી ગયા છે અથવા તો તેના પાનીયા બંધ થઈ ગયા છે ત્યારે આવા કિસ્સામાં તંત્ર દ્વારા તાલુકાના ૫-૧૦ ગામોમાં રેન્ડમલી ખરાઈ કરી કાર્યવાહી કરવી જોઈએ. ઉક્ત બાબતે કલેકટર દ્વારા જિલ્લાના બધા તાલુકામાં આ પ્રકારે 5-10 ગામોમાં રેન્ડમલી ખરાઈ કરાવવા અધિકારીઓને સૂચના આપી હતી.
જામનગર જીલ્લામાં અનેક ગામોમાં પવનચક્કી અને પવનચક્કીની ઇલેક્ટ્રીક લાઈનો ઉભી કરવા માટે જુદી-જુદી કંપનીઓ કામ કરી રહી છે ત્યારે ઘણાબધા ખેડૂતોની ફરિયાદ છે કે કંપનીના અધિકારીઓ દ્વારા પોલીસ પ્રોટેક્શનના નામે ડરાવી-ધમકાવી દાદાગીરીથી કામ કરવામાં આવી રહ્યું છે જેમાં પોલીસ પણ કંપનીનો સાથ આપી રહી છે અને જ્યારે વળતર ચુકવવાની વાત આવે ત્યારે જંત્રી મુજબ વળતર ચુકવવામાં આવે છે.
આ બાબતે હેમંત ખવાએ કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ખેડૂતોના હયાત રસ્તાઓને ધ્યાને રાખી ખેડૂતોનું હિત ના જોખમાય તેવી રીતે રુટ બનાવવો જોઈએ તેમજ રાજ્ય સરકારના પરિપત્ર ની જોગવાઈ મુજબ કલેક્ટરને સત્તા આપવામાં આવેલ છે કે જો કોઈ ખેડૂત આ વળતર થી સહમત ના હોય તો જિલ્લા મૂલ્યાંકન સમિતિમાં આ જમીનનું મૂલ્યાંકન કરી તેમાં નક્કી થયેલા બજાર ભાવ પ્રમાણે ખેડૂતોને વળતર ચુકવવામાં આવે. હાલમાં જે વળતર ચૂકવવામાં આવે છે તે જંત્રીના ભાવ પ્રમાણે ચૂકવવામાં આવે છે જેના લીધે ખેડૂતોમાં ખૂબ જ વિસંગતતા છે ત્યારે કલેકટર દ્વારા પણ આવા કિસ્સાઓમાં જિલ્લા મૂલ્યાંકન સમિતિમાં નક્કી કરી બજારકીમત મુજબ વળતર ચુકવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
ફોરેસ્ટ ક્લીયરન્સના કારણે પડતર રહેલા રસ્તાઓ અનુક્રમે ઘુનડાથી ટેભડા, લાલવાડાનેશ થી ઉદેપુર સતાપર રોડ, લાલપુર થી ખટિયા રોડ, ખટિયાથી કાલાવડ રોડ અને મોટી ભરડથી ભરડકી રોડ અંગે ફરીથી બેઠકમાં પ્રશ્ન રજૂ કર્યા હતાં.
કલેકટર દ્વારા બાંધકામ અને ફોરેસ્ટ વિભાગને સંકલનમાં રહી આ રસ્તાઓના કામ જલ્દી પૂરા થાય તે માટે સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં હેમંત ખવાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તંત્ર કંપનીઓને છાવરવાનું વલણ છોડી ખેડૂતોના હિતમાં પારદર્શક કામગીરી કરે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt