
ગીર સોમનાથ 25 ડિસેમ્બર (હિ.સ.) એક સમય હતો કે, જ્યારે મહિલાઓ પોતાની હાથ બનાવટની વસ્તુઓ બનાવી તો લેતી હતી પરંતુ તેને વેચવા ક્યાં જવી તે મોટો પ્રશ્ન હતો. પરંતુ રાજ્ય સરકારે સ્વ-સહાય જૂથોની રચના, આ સ્વ-સહાય જૂથોને નાણાકીય સહાય તેમજ મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓને વેચવા માટે સશક્ત નારી મેળામાં મફત સ્ટોલ ફાળવીને એક આગવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
આજે મહિલાઓ પોતાની આવડત અને નિપૂણતાના જોરે વિવિધ કલા-કારીગરી, સુશોભન, સૌદર્ય પ્રસાધનોની ચીજવસ્તુઓ બનાવીએ આર્થિક સધ્ધરતા હાંસલ કરવાનો માર્ગ કંડારી રહી છે.
તાલાલાની આવી જ એક મહિલા કાજલબહેન ભટ્ટ ભગવાનની પૂજા અને આરતીમાં વપરાતી વિવિધ ચીજવસ્તુઓ બનાવીને વેચે છે. કાજલબહેન અને તેમની સખી મંડળની બહેનો ધૂપ, દિવા, અગરબત્તી વગેરે વસ્તુઓ બનાવીને તેના વેચાણ દ્વારા આવક ઉભી કરી રહી છે. મહિલાઓ દ્વારા નાની પરંતુ ઘર વપરાશની ઉપયોગી વસ્તુઓના નિર્માણ દ્વારા પોતાના પગ પર ઉભી થઇ છે તેમ જણાવી કાજલબહેને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને અપતા પ્રોત્સાહન માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ