

ગાંધીનગર, 25 ડિસેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશને ટી.બી. મુક્ત બનાવવાના દ્રઢ સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત રાજ્ય દ્રઢતા પૂર્વક કાર્ય કરી રહ્યું છે. રાજ્યમાં વર્ષ 2024માં ટી.બી.ના 1,37,896 દર્દીઓ નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે 1,12,981 નવા દર્દીઓ નોંધાયા છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લોકભવન ખાતે આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સાથે ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ટી.બી. નિયંત્રણ કાર્યક્રમોની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, ટી.બી. સામેની લડતને સરકારી અભિયાનથી આગળ લઈ જઈને જનઆંદોલન બનાવવું અનિવાર્ય છે. સમાજના દરેક વર્ગની જાગૃત અને સક્રિય ભાગીદારી આ અભિયાનની સફળતાનું મુખ્ય આધારસ્તંભ છે.
રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, દરેક ટી.બી. દર્દી સુધી સમયસર યોગ્ય સારવાર અને પૂરતું પોષણ પહોંચે, તે માટે સતત પ્રયત્નો જરૂરી છે, જેથી ગુજરાત ટૂંક સમયમાં ટી.બી. મુક્ત રાજ્ય બનીને દેશ માટે એક પ્રેરક મોડેલ રજૂ કરી શકે.
આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના દર્દીઓની સારવાર અને ફોલોઅપ પ્રોટોકોલ અનુસરવામાં આવે છે, જેમાં દર્દીઓનું સમયસર ફોલોઅપ અને મૂલ્યાંકન કરવામાં આવે છે. આરોગ્ય સમીક્ષા કેન્દ્ર દ્વારા વર્ષ 2025 માં દર્દીઓને 1,19,259 કોલ કરવામાં આવ્યા છે.
નિક્ષય પોષણ યોજના અંતર્ગત વર્ષ 2014માં 1,20,629 ટીબી દર્દીઓને રૂ.48.30 કરોડની સહાય આપવામાં આવી હતી, તેમજ ચાલુ વર્ષે 87,025 દર્દીઓને રૂ.46.30 કરોડની સહાય ચૂકવવામાં આવી છે
રાજ્યમાં ટીબીની સારવાર માટે 2,351 નિશુલ્ક માઈક્રોસ્કોપી સેન્ટર, 3 ટીબી કલ્ચર લેબ, 74 CBNAAT મશીન, અને 326 TRUENAT મશીનો ઉપલબ્ધ છે.
આ બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, રાજભવનના અગ્ર સચિવ અશોક શર્મા, આરોગ્ય નિયામક ડૉ. રતનકંવર ગઢવી ચારણ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ