
ગીર સોમનાથ 25 ડિસેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે ઉઠાવેલા વિવિધ પગલાઓને કારણે આજે મહિલાઓ પગભર બનવા સાથે સમાજમાં વિવિધ સ્તર પર આગળ આવી છે.
ગુજરાતના દરિયા કિનારે આવેલી ખારવા અને માછીમાર સમાજની મહિલાઓ પણ તેમાથી બાકાત નથી. આ મહિલાઓએ સાગર મંથન માછીમાર ઉત્થાન ઉત્પાદન કંપનીના નેજા હેઠળ રૂ.૫૦ લાખ સુધીનું ટર્નઓવર હાંસલ કર્યું છે.
આ અંગે સાગર મંથન માછીમાર ઉત્થાન ઉત્પાદન કંપની સાથે જોડાયેલ મહિલા હંસાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, પીકલ્સ, વેફર, કૂરકૂરે, નમકીન સહિતની વિવિધ સી ફુડમાંથી બનતી વાનગીઓના વેચાણ દ્વારા અમે આત્મનિર્ભરતા હાંસલ કરી છે.
આ અંગે તેમણે જણાવ્યું કે, આ કંપનીની શરૂઆતમાં અમે માત્ર ૫ જ મહિલાઓ હતી. આજે અમારે સાથે માછીમાર સમાજની ૭૫૦ મહિલાઓ જોડાયેલી છે. એક સમયે મહિને માત્ર રૂ.૬૦નું વેચાણ કરતું અમારૂ આ મંડળ આજે રૂ. ૫૦ લાખ સુધીના ટર્નઓવર સુધી પહોંચ્યું છે.
માછીમારીની સિઝન સિવાયના સમયમાં પણ અમારી બહેનો કંઇક કરવા માટે તત્પર રહે છે. જેના કારણે અમારા ફાજલ અને નવરાશના સમયમાં ઉન અને ઉનની વિવિધ બનાવટો બનાવીએ છીએ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સહકારથી નારી મેળાઓમાં સ્ટોલ દ્વારા આ વસ્તુઓનું વેચાણ કરીએ છીએ.
આર્થિક સધ્ધરતા હાંસલ કરવાના કારણે અમારા બાળકો અત્યારે એન્જિનિયરિંગ, મરીન સાયન્સ જેવા વિષયોમાં પોતાનો અભ્યાસ કરી રહ્યાં છે. તેમ તેમણે ગર્વ સાથે વધુમાં જણાવ્યું હતું.
તેમણે રાજ્ય સરકાર દ્વારા કરાતી મદદ-સહાય તેમજ સશક્ત નારી મેળામાં મફત સ્ટોલ ફાળવવા અંગે આભારની લાગણી પ્રગટ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ