
જુનાગઢ,22 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ, ભેંસાણ તાલુકાનાં રીંકલ પન્નાએ પરંપરાગત હાથસાળ વ્યવસાય દ્વારા ખાદી અને હેન્ડલુમની વસ્તુઓનું ઉત્પાદન કરી અન્ય મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની પહેલ કરી છે. રીંકલબેન વર્ષે એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરીને ગુજરાતનાં ‘લખપતિ દીદી’ બન્યાં છે.
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના વતની રીંકલ પન્ના તેમના પરિવાર સાથે પરંપરાગત હાથસાળ વ્યવસાયને આધારે ખાદી તેમજ હેન્ડલુમની વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરી રહ્યા છે. શરૂઆતમાં ખાદી ભંડાર માટે કામ કરતાં રીંકલબેન 2016 માં સદભાવના મંગલમ જૂથ મંડળ સાથે જોડાયા હતા. ત્યાંથી તેઓ અને તેમની સાથે જોડાયેલી અન્ય સભ્યો સાથે મળીને હસ્તકલાની વસ્તુઓ બનાવી રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ મેળાઓમાં તેમની ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યા છે. રિંકલબેન કહે છે કે, અગાઉ મંડળમાંથી અમે કાચો માલ સહિતની વસ્તુઓ ખરીદવા માટે લોન લીધી હતી.
રીંકલબેન તેમના ઉત્પાદનોનું વેચાણ સુરત, અમદાવાદ, કચ્છ, સારંગપુર અને જામનગર સહિતના વિસ્તારોમાં આયોજિત મેળાઓમાં તેઓ પોતાની વસ્તુઓ વેચે છે. રીંકલબેનના જણાવ્યા અનુસાર, અગાઉ મંડળ પાસેથી કાચો માલ ખરીદવા માટે લોન લીધી હતી, પરંતુ હવે તેઓ આર્થિક રીતે સ્વાવલંબી બન્યા છે. રીંકલબેન કહે છે કે, અમારા કામના કારણે અમારી એક આગવી ઓળખ ઉભી થઈ છે. સાથે અમે ઘરમાં પણ આર્થિક સહયોગ આપવા સક્ષમ બન્યા છીએ.
રીંકલબેન કહે છે કે મહિલાઓમા અનેકવિધ પ્રકારની શક્તિ અને આવડત રહેલી છે. ત્યારે તેને ઘર પૂરતું સીમિત ન રહેતા બહાર નીકળવું જોઈએ. સરકારના આયોજનો થકી સ્થાનિક કારીગરો અને ખાસ કરીને મહિલાઓને પ્લેટફોર્મ મળ્યું છે. રીંકલબેન અને તેનો પરીવાર હાથસાળ પર ટુવાલ, હાથ રૂમાલ, આસન,ચટાઈ, પગલુછણીયા, પેન્ટ શર્ટના કાપડ બનાવે છે. તેમણે રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યુ હતુ કે, રાજય સરકાર દ્રારા હાથસાળ વારસાના સંવર્ધન અને સંરક્ષણ માટે અનેક પહેલો કરી છે.
મહિલાઓને સશક્ત બનાવી ભારતની વિકાસયાત્રામાં જોડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે 2023 માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરી છે, જેનો ઉદ્દેશ 2027 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યોજનાનો બહોળો લાભ મળી રહ્યો છે. રીંકલબેન પન્ના જેવી મહિલાઓ આ યોજનાની સફળતાનું જીવંત ઉદાહરણ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ