
જામનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના અલીયાબાડા સ્થિત પીએમ જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાલય મેનેજમેન્ટ કમિટીના ચેરમેન અને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાલયના 150થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ગણિત અને વિજ્ઞાન વિષય આધારિત 77 જેટલા વિવિધ પ્રોજેક્ટ્સ અને કૃતિઓ રજૂ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે અમલમાં મુકાયેલ બહુઉદ્દેશીય ‘અટલ ટિંકરિંગ લેબ’નો મહત્તમ ઉપયોગ કરી વિદ્યાર્થીઓએ આર્ડીનો બોર્ડ તથા સેન્સરની મદદથી તૈયાર કરેલા ઇલેક્ટ્રોનિક્સ અને રોબોટિક પ્રોજેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પ્રદર્શનની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા, તૈયાર કરવામાં આવેલ ઇલેક્ટ્રોનિક્સ રોબોટિક બેન્ડ સહિતના વિવિધ ઈનોવેટીવ પ્રોજેક્ટ્સને રસપૂર્વક નિહાળ્યા હતા. કલેક્ટરએ વિદ્યાર્થીઓની સુઝબુઝ અને મહેનતની ભારોભાર પ્રશંસા કરી હતી તથા તેમને અભિનંદન પાઠવી ભવિષ્યમાં આવા જ સંશોધનાત્મક કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રદર્શનમાં સૈનિક સ્કૂલ બાલાચડી, દિલ્હી પબ્લિક સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય જામનગર અને દરબાર ગોપાલદાસ બી.એડ. કોલેજના તજજ્ઞ શિક્ષકોએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને સામુદાયિક ભાગીદારી સુદ્રઢ બને તેવા પ્રયાસના ભાગરૂપે અલિયાબાડા તથા આસપાસના વિસ્તારના અન્ય વિદ્યાર્થીઓને પણ મોટી સંખ્યામાં આ પ્રદર્શન નિહાળવા આમંત્રિત કરાયાં હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પ્રાચાર્ય એમ.પી. સિંઘના માર્ગદર્શન હેઠળ સંયોજક અજય કુમાર પાંડે, ઉમેશ કુમાર, સ્પંદન પાટીદાર, એસ.પી. શાર્દૂલ, અંકુર મલ્હાન, એન.એમ. સુપ્રિયા તથા એટીએમ ઇન્સ્ટ્રક્શન કેયુર પટેલ સહિતના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt