
પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.) પાટણ સ્થિત શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં 20 ડિસેમ્બરે વાર્ષિકોત્સવ ‘સ્પંદન 2025’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંડળના આગેવાનો, વિદ્યાર્થીઓ, વાલીજનો, શિક્ષકો તથા આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.
શાળાના આચાર્ય ડૉ. બળદેવ દેસાઈએ સ્વાગત પ્રવચન આપતાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે શાળાનું મુખપત્ર ‘સૌરભ’ અને કેલેન્ડરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
વાર્ષિકોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ નૃત્ય, નાટક, દેશભક્તિ ગીતો, સમૂહ તથા લોકનૃત્ય જેવી વિવિધ રંગારંગ રજૂઆતો કરી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો, જેને દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી. સાથે જ શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને કુલ રૂ. 1.50 લાખના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શાળાના રીનોવેશન માટે દાતાઓ દ્વારા સવા કરોડ રૂપિયાનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. મહેમાનોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શુભકામનાઓ આપી હતી. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન અને આભારવિધિ સાથે થયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ