
સુરત, 23 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી સામે કાર્યવાહી વધુ કડક બની છે. તાજેતરમાં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાઈબ્રીડ ગાંજાની મોટી ખેપ ઝડપાઈ છે. સુરત પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને અંદાજે 6 કરોડ રૂપિયાની કિંમતનો 17 કિલો 700 ગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. આ કેસમાં બે શખસોને ઝડપી લઈ તેમની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાઈબ્રીડ ગાંજો અને સોનાની તસ્કરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. વધતી નજર અને કડક ચેકિંગને કારણે ડ્રગ્સ માફિયાઓએ પોતાનો રૂટ બદલી સુરત એરપોર્ટ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ પાસેથી ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યો, કોને સપ્લાય કરવાનો હતો અને આ પાછળ કેટલું મોટું નેટવર્ક કાર્યરત છે તે અંગે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત પોલીસનું કહેવું છે કે ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ પૂછપરછ અને ટેકનિકલ તપાસ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે