
પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.)સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે AI, સાયબર સિક્યુરિટી અને ડિજિટલ યુગની જરૂરિયાત વિષય પર એક માર્ગદર્શક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના પ્રેરક માર્ગદર્શન તથા ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સ્વર્ણિમ એડ્યુટેક, અમદાવાદના બિઝનેસ એક્ઝિક્યુટિવ શ્રી અબ્દુલ આઇબાની મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં AI અને ડિજિટલ સાધનો દ્વારા પોતાના ક્ષેત્રમાં કેવી રીતે પરિવર્તન લાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી આઇબાનીએ રોજિંદા જીવનમાં સાયબર સિક્યુરિટી અંગે જાગૃત રહેવાની અને જરૂરી સાવચેતીઓ અપનાવવાની મહત્વતા પર ભાર મૂક્યો હતો. સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી AI અને સાયબર સિક્યુરિટી સંબંધિત પ્રશ્નોની મુક્ત ચર્ચા કરી તેમની જિજ્ઞાસાનું નિવારણ કર્યું હતું.
કાર્યક્રમનું સંચાલન જ્ઞાનધારા સમિતિના કન્વીનર જેવત ચૌધરી અને સપ્તધારા કન્વીનર ડૉ. ખુશ્બુ મોદીએ કર્યું હતું. સાયબર ક્લબ અને કવચના કન્વીનર ડૉ. અમર ચક્રવર્તીએ મહેમાનનું સ્વાગત તથા આભારવિધિ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ