
વલસાડ, 23 ડિસેમ્બર (હિ.સ.)-વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા રક્તપિત કો-ઓર્ડિનેશન કમિટિની મીટિંગ મળી હતી, જેમાં હાલ તા. 8 ડિસેમ્બર 2025થી ચાલી રહેલા રક્તપિત દર્દી શોધ અભિયાન (એલસીડીસી- લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પેઈન) અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અભિયાન આગામી તા. 27 ડિસે. 2025 સુધી ચાલશે.
આ બેઠક દરમિયાન જિલ્લા રક્તપિત અધિકારી મતી જયબેન ચૌધરીએ રક્તપિત અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ કે, ગુજરાતમાં વર્ષ 1955 થી નેશનલ લેપ્રસી કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી ત્યારબાદ વર્ષ 1983માં રાષ્ટ્રીય રક્તપિત નિમૂર્લન પ્રોગામ અમલી થયો હતો. વર્ષ 2027 સુધીમાં સમગ્ર રાષ્ટ્રને રક્તપિત દર્દી મુક્ત બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા લેપ્રસી વ્યાપકતા દર 10 હજારની વસ્તી સામે માત્ર એક જ કેસ મળી તે રીતે રક્તપિતને નાબૂદ કરવા માટે મકક્મ નિર્ધાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હાલ વલસાડ જિલ્લામાં આ અભિયાનને સફળતા મળતા રકતપિતના દર્દીનો પ્રિવેલન્સ (વ્યાપકતા) દર 0.89 છે. જિલ્લામાં હાલમાં 112 ચેપી પ્રકારના દર્દીઓ છે.
આ મીટિંગ દરમિયાન જિલ્લા કલેકટરએ ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ રકતપિત દર્દી શોધ અભિયાનને વધુ સઘન બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે.સિંગ, જિલ્લા આરોગ્ય ખાતાના માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પકંજભાઈ પટેલ, લેપ્રસી વિભાગના મેડિકલ ઓફિસર ડો. અશોકકુમાર સિંગ, જિલ્લા રોગચાળા અધિકારી ડો.મનોજ પટેલ, જિલ્લા આશા કો-ઓર્ડિનેટર વિજય રાવત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે