
પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના મહેમદપુર ગામ ખાતે આત્મા યોજના અંતર્ગત જિલ્લામાં પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તથા સ્વદેશી અભિયાન અંગે જાગૃત કરવાનો હતો. કાર્યક્રમનું આયોજન આત્મા યોજના પાટણના બીટીએમ હિતેશ પટેલ અને એટીએમ મનોજભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આત્મા યોજનાના સ્ટાફ હિતેશ પટેલ અને કુલદીપ દેસાઈએ પ્રાકૃતિક ખેતી અને સ્વદેશી અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું. નિવૃત્ત વિષય નિષ્ણાત શીવાભાઈ એચ. પટેલે જમીન વિજ્ઞાન, રવિ પાકોમાં દિવેલાની ખેતી તથા જમીન લેબોરેટરી વિશે માહિતી આપી. ઇફકોના રૂપેશભાઈએ નેનો યુરિયા અને ડીએપી અંગે સમજાવ્યું, જ્યારે ગ્રામ સેવક કિરણબેને ખેતીવાડી વિભાગની સબસિડી યોજનાઓ વિશે જાણકારી આપી.
જીજીઆરસીના એ.જે. પટેલે ખેડૂતોને સૂક્ષ્મ પદ્ધતિઓ વિશે માહિતી આપી. મહેમદપુર ગામના પ્રગતિશીલ ખેડૂત રમેશજી ઠાકોરે પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવો રજૂ કર્યા. ઉપરાંત, રામુ પ્રાકૃતિક ફાર્મના સંચાલક પ્રમોદભાઈ પટેલે પોતાના ખેતરમાં થઈ રહેલી પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી આપી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ