
ગીર સોમનાથ, 23 ડિસેમ્બર (હિ.સ.) : વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ સાનિધ્યે તારીખ 16 ડિસેમ્બર થી 24 ડિસેમ્બર સુધી યોજાયેલ ધર્મ મહોત્સવમાં ભાવિકો શ્રદ્ધાભેર ધર્મલાભ લઈ રહ્યા છે. કાશ્મીરના અટલ પીઠાઘીશ્વર વિશ્વાત્માનંદજી મહારાજના આચાર્ય પદે યોજાયેલ આ મહોત્સવમાં કાશ્મીરથી ૧૬૦૦ થી પણ વધુ ભાવિકો ખાસ સોમનાથ આવેલ છે.
જેમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ વિદેશી ભક્તો પ્રાચીન પરંપરાના યજ્ઞ કુંડમાં પવિત્ર વેદમંત્રોચ્ચાર સાથે યજ્ઞ કુંડોમાં ભાગ લઈ આહૂતિ આપી રહ્યા છે. યજ્ઞ મંડપમાં દેવ મૂર્તિઓ અને પાવનકારી સ્થાપના કરવામાં આવેલ છે. આ યજ્ઞ સવારના ૬ થી બપોરના ૧ સુધી ચાલે છે. જ્યારે સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી સોમનાથ મંદિર સાનિધ્યે અટલ પીઠાઘીશ્વર વિશ્વાત્માનંદજીના આચાર્ય પદે શિવ મહાપુરાણ કથા ભાવિકો ભક્તિ ભાવથી શ્રવણ કરી તીર્થયાત્રાને પાવનકારી બનાવી રહ્યા છે.
૭ દિવસથી ચાલતા આ કાર્યમાં ભાવિકો માટે ભંડારા પ્રસાદ પણ યોજવામાં આવેલ છે. વિશ્વાત્માનંદજી ની કથામાં પણ ભારે ભીડ ઉમટે છે. જેથી મંડપની બેઠક વ્યવસ્થા ઉપરાંત વધારાની મંડપ બહાર એક્સ્ટ્રા બેઠકો તથા લાઈવ કથા શ્રવણ કરી શકે તે માટે એલ.ઇ.ડી. સ્ક્રીનનો ગોઠવાયેલ છે. સોમનાથ ખાતે યોજાયેલ આ ધર્મ કાર્ય વિશ્વ કલ્યાણ અને જન કલ્યાણ અર્થે યોજાયેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ