
પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના કાલેડા ગામે પશુઓ ચરાવવા બાબતે બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનાને પગલે કાકોશી પોલીસ મથકે બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રથમ ફરિયાદ રમેશભાઈ કરશનભાઈ દેસાઈએ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, 21 ડિસેમ્બર 2025ના રોજ સાંજે ભેંસો ચરાવીને ઘરે પરત ફરતા સમયે પચકવાડીયુ આંતરા પાસે આરોપીઓએ તેમનો રસ્તો રોકી ગાળો આપી ઝપાઝપી કરી હતી. આ દરમિયાન ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આરોપ છે.
સામા પક્ષે રમેશભાઈ વસ્તાભાઈ રબારીએ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, ખેતરેથી પરત ફરતા સમયે આરોપીઓએ તેમની પત્ની સાથે અભદ્ર વર્તન કરી છેડતી કરી હતી અને વિરોધ કરતા લાકડીઓ તથા હાથ વડે હુમલો કર્યો હતો, જેમાં ઈજાઓ થઈ અને સોનાના દોરાની આટી તૂટી ગઈ હતી. બંને ફરિયાદોના આધારે કાકોશી પોલીસ વધુ તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ