



પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.)પાટણમાં મનરેગા યોજનાને નબળી પાડવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિર્દેશ હેઠળ રેલવે ગરનાળા પાસે આ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રદર્શનકારીઓએ પ્રથમ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ શ્રમિકોના અધિકારોના રક્ષણ માટે રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ‘હાય રે ભાજપ હાય હાય’ના નારા સાથે વાહનવ્યવહાર અટકાવી ચક્કાજામ કર્યો હતો.
ચક્કાજામની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ટીંગાટોળી કરીને ડિટેન કર્યા અને પોલીસ વાહનોમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાયા, જેમાં ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, કેન્દ્ર સરકારનું ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ બિલ મનરેગા યોજનાનું અસ્તિત્વ ખતમ કરવાનો પ્રયાસ છે. મનરેગા અને શ્રમિક અધિકારોના મુદ્દે સરકાર સામે આગળ પણ વિરોધ ચાલુ રાખવાની ચીમકી કોંગ્રેસે આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ