
જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાના વોર્ડ-7 માં રેલવે ડબલ ટ્રેકના કામને લઈ સાંઢિયા પુલ નજીક મહાલક્ષ્મી સોસાયટીના રહેવાસીઓનો રેલવે પુલ નીચેથી અવર-જવર કરવાનો રસ્તો બંધ કરી દેતા મહિલાઓ રણચંડી બની હતી. જેને લઈ રેલવે પોલીસ આગેવાનો દોડી આવ્યા હતા. મહિલાઓ અને રેલવે પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો સાંસદ કાર્યાલય સુધી પહોંચ્યો હતો. જો કે દેખાવ કરી રહેલી મહિલાએ પુલની દીવાલની કામ બંધ રાખવા માંગ અગડ રહી હતી.
મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં વોર્ડ 7માં લાલપુર-દ્વારકા બાયપાસ રોડ ઉપર સાંઢિયા પુલ નજીક મહાલક્ષ્મી સોસાયટી વર્ષોથી આવેલ છે. ત્યાં રહેતા રહેવસીઓને ગોકુલનગર જકાતનાકા તરફ રોડ ઉપર અવરજવર કરવા માટે રેલવે પુલ નીચેથી રસ્તો આપવામાં આવ્યો હતો. રેલવેના ડબલ ટ્રેક પ્રોજેકટ ને લઈ પુલ નીચેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ વર્ષો જૂનો રોડ એકાએક રેલવે તંત્ર ડ્રારા બંધ કરી દેવાતા સ્થાનિક રહેવાસીઓમાં રોષની લાગણી ફેલાય હતી.
તેઓને હવે મહાલક્ષ્મી સોસાયટીમાં જવા માટે એક ફાટક ક્રોસ કરીને એકાદ કિલોમીટરના આંટો થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.બીમાર દર્દીઓ તેમજ સ્કૂલે જતા વિધાર્થીઓ સહિતના લોકો માટે રસ્તાનો પ્રશ્ને પરેશાન શરૂ થઈ ગઈ હોવાનું સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું.
વારંવાર રેલવેટ્રેનની અવરજવરથી ફાટક સતત લાંબા સમય સુધી બંધ રહે છે ત્યારે આ પુલ નીચેનો જૂનો રસ્તો ખુલ્લો રાખવાની માંગ સાથે મહિલાઓ રણચંડી બની હતી.જેને લઈ રેલવે પોલીસ દોડી ગઈ હતી.જો કે રેલવે પોલીસ અને મહિલાઓ આમને-સામને આવી ગયા હતા.
રેલવે પોલીસ અધિકારીએ કાયદો બતાવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આ બનાવ અંગે સ્થાનિકોએ સાંસદની કચેરી સુધી મામલો લઈ જવા ચેતવણી આપી હતી. મામલો વધુ ઉગ્ર બનતા સ્થાનિક આગેવાનો, કોપોરેટર દોડી આવ્યા હતા. સ્થાનિક મહિલાઓ અને રેલવે પોલીસને સમજાવટથી મામલો હાલ તો ઠંડો પાડ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt