
અમરેલી,, 23 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ભેસાણ ગામમાં ‘જળ ક્રાંતિ’ના પ્રણેતા મનસુખભાઈ સુહાગિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે સૌહાર્દસભર સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે ગામના સર્વાંગી વિકાસ, પાણી વ્યવસ્થા, કૃષિ સુધારણા તેમજ જનસુવિધાઓને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
કાર્યક્રમમાં સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા પાણી સંચય, તળાવો-ચેકડેમોની સ્થિતિ, સિંચાઈની સુવિધા, ખેતીમાં નવી ટેકનોલોજી, રસ્તા, પીવાનું પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ અંગે પોતાના વિચારો અને પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા.
મનસુખભાઈ સુહાગિયાએ જળ સંરક્ષણનું મહત્વ સમજાવી ગામ સ્તરે વરસાદી પાણી સંગ્રહ, ભૂગર્ભ જળ સ્તર વધારવા અને પાણીનો સદુપયોગ કરવા માટે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે પાણી બચાવવાથી જ ખેતી, પર્યાવરણ અને આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત રહેશે.
ધારાસભ્ય મહેશ કસવાલાએ ગ્રામજનોના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળી, યોગ્ય ઉકેલ માટે સતત પ્રયત્ન કરવાની ખાતરી આપી. આ સંવાદથી ભેસાણ ગામમાં વિકાસ, જળ સંરક્ષણ અને સહકારની ભાવના વધુ મજબૂત બની હોવાનું ગ્રામજનોએ જણાવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai