
અમરેલી,23 ડિસેમ્બર (હિ.સ.)
આશીર્વાદ વિકલાંગ સહાયતા કેન્દ્ર, સાયલા દ્વારા અમરેલી ખાતે વિશાળ પાયે વિકલાંગ સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવસેવા કાર્યક્રમનું માનવ મંદિરના સંત ભક્તિ બાપુના કરકમળે પ્રાગટ્ય કરીને ઔપચારિક રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમિયાન આશરે 300થી વધુ વિકલાંગ લાભાર્થીઓને ઉપયોગી સાધન-સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સાયકલ, પગ (કૃત્રિમ અંગ), ચશ્માં, કાનમાં સાંભળવાના ઈયરફોન (હિયરિંગ એઇડ) સહિતની અનેક પ્રકારની સહાય સામગ્રીનો સમાવેશ થાય છે. આ સહાયથી વિકલાંગ લાભાર્થીઓને રોજિંદા જીવનમાં સ્વાવલંબન અને ગતિશીલતા મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો.
ભક્તિ બાપુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે માનવસેવા એ જ સાચી ઈશ્વર સેવા છે અને સમાજના નબળા તથા જરૂરિયાતમંદ વર્ગને સહાય કરવી એ દરેકની નૈતિક ફરજ છે. આશીર્વાદ વિકલાંગ સહાયતા કેન્દ્ર દ્વારા કરવામાં આવતી આ પ્રકારની કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ છે.
આ કેમ્પથી વિકલાંગ લાભાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને આયોજકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai