
પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.)પાટણના શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલયના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક ડૉ. ઓધારભાઈ બી. દેસાઈને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા દ્વારા પી.એચ.ડી. પદવી એનાયત કરવામાં આવી છે. ગોધરામાં યોજાયેલા યુનિવર્સિટીના સાતમા પદવીદાન સમારંભમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે આ પદવી આપવામાં આવી હતી.
ડૉ. દેસાઈએ શિક્ષણશાસ્ત્ર વિષયમાં ડૉ. કે.બી. શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ “કઠોપનિષદમાં વ્યક્ત થતું શિક્ષણ દર્શન” વિષય પર સંશોધન કર્યું હતું. તેમના સંશોધનમાં શિક્ષણના ઉચ્ચ મૂલ્યો અને તત્ત્વચિંતન પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આ શૈક્ષણિક સિદ્ધિ બદલ બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણ તથા સમગ્ર શાળા પરિવાર અને શિક્ષણ જગતમાં ગૌરવની લાગણી પ્રસરી છે. આ પ્રસંગે શ્રી પાટણ જૈન મંડળ, મુંબઈના હોદ્દેદારો, આચાર્ય ડૉ. બી.આર. દેસાઈ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન દ્વારા શાલ અને મોમેન્ટો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
સહશિક્ષકો, વહીવટી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ડૉ. દેસાઈને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. 20 ડિસેમ્બરે યોજાયેલા સમારંભમાં રાજ્યપાલ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, મંત્રી શ્રી રમેશભાઈ કટારા, કુલપતિ શ્રી હરિભાઈ કટારિયા, કુલસચિવ શ્રી અનિલભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ