
પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લામાં રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના 9 જાન્યુઆરી 2021થી અમલમાં છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતી અને પિયત માટે દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવે છે. જિલ્લામાં કુલ 24,248 ખેતી વીજ જોડાણો આ યોજનાથી જોડાયા છે.
પાટણ જિલ્લાના તમામ ગામોમાં યોજનાનો સફળ અમલ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન નિયમિત વીજ પુરવઠો મળવાથી ખેતી કાર્ય સરળ બન્યું છે અને ખેડૂતો હવે નિશ્ચિંતપણે ખેતી કરી શકે છે. પાકની સંભાળ અને પિયત વ્યવસ્થામાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.
પાટણ જિલ્લાના યુવા અને પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ અમરતભાઈ દેસાઈએ આ યોજનાનો લાભ લીધો છે. તેમણે જણાવ્યું કે પહેલાં રાત્રીના સમયે વીજળી મળતી હોવાથી ઉજાગરા કરવા પડતા હતા અને સલામતી તથા આરોગ્યની સમસ્યાઓ થતી હતી.
હવે દિવસે વીજળી મળવાથી ખેતી સાથે ઘરગથ્થુ અને સામાજિક કાર્યો સરળ બન્યા છે. રાતના ઉજાગરા બંધ થયા છે અને જીવન વધુ વ્યવસ્થિત બન્યું છે. જયેશભાઈ દેસાઈ સહિત અનેક ખેડૂતોએ આ યોજનાને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ