સુરતના ગોડાદરામાં ફર્નિચર ગોડાઉનમાં ભીષણ આગ, કરોડોનું નુકસાન
સુરત, 23 ડિસેમ્બર (હિ.સ.)-સુરતના ગોડાદરા વિસ્તારમાં ફરી એકવાર ભીષણ આગની ઘટના સામે આવી છે. દેવદ ગામ નજીક પતરાના શેડમાં ચાલતા ફર્નિચરના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા અ
Fire


સુરત, 23 ડિસેમ્બર (હિ.સ.)-સુરતના ગોડાદરા વિસ્તારમાં ફરી એકવાર ભીષણ આગની ઘટના સામે આવી છે. દેવદ ગામ નજીક પતરાના શેડમાં ચાલતા ફર્નિચરના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા અનેક કિલોમીટર દૂરથી પણ નજરે પડ્યા હતા.

મળતી માહિતી મુજબ, શેડમાં ફર્નિચરનું ઉત્પાદન અને સંગ્રહ કાર્ય ચાલતું હતું. લાકડું, ગુંદર અને વિવિધ કેમિકલ્સ જેવા જ્વલનશીલ સામગ્રીના કારણે આગે જોતજોતામાં ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઝપેટમાં એકથી વધુ ગોડાઉન આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આગની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. શહેરના 6 ફાયર સ્ટેશનમાંથી 22થી 25 જેટલી ફાયર ગાડીઓ અને 40થી 50 ફાયર ફાઈટરો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા. પતરાના શેડ હોવાને કારણે અને અંદર સંગ્રહિત સામગ્રીના કારણે આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

આ આગને કારણે આસપાસના રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ એકમોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા, જેના કારણે ટ્રાફિક પણ અટકી ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ ફર્નિચરના મોટા જથ્થાને કારણે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાની શક્યતા છે.

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પ્રકાશભાઈએ જણાવ્યું કે, સાંજે 6:44 કલાકે આગ અંગે કોલ મળ્યો હતો. સતત કામગીરી બાદ હવે આગ પર લગભગ 90 ટકા કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બાકી રહેલી નાની જ્વાળાઓને પણ શાંત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગોડાદરા વિસ્તારમાં અગાઉ પણ પતરાના શેડમાં આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે. વારંવાર બનતી આવી દુર્ઘટનાઓને કારણે ફાયર સેફ્ટીના નિયમોના અમલ અને ઔદ્યોગિક સલામતી વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande