
ગીર સોમનાથ 23 ડિસેમ્બર (હિ.સ.) કલેકટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પી.એમ.પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા માનદવેતન ધારકોની કામગીરીમાં ગુણાત્મક સુધારાઓ હેતુ ગુજરાત રાજયની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ વિષય આધારીત જિલ્લાકક્ષાની કૂકિંગ સ્પર્ધા યોજાઈ હતી.
વેરાવળ પે.સેન્ટર શાળા નંબર-૧ ખાતે જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી.વાંદાના અધ્યક્ષસ્થાને ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકાઓમાંથી એક થી ત્રણ નંબર ઉપર આવેલા સ્પર્ધકોની જિલ્લા કક્ષાની કૂકિંગ સ્પર્ધા યોજાઈ હતી.
આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક ઉપર કોડીનાર તાલુકાની રામનગર પ્રા.શાળાના કુક-કમ-હેલ્પર ગૌસ્વામી જયોતિબેનને રૂ.૮૦૦૦/- નો ચેક,
દ્વિતિય નંબર ઉપર કોડીનાર તાલુકાની સિંધાજ કન્યા શાળાના મદદનીશ ગૌસ્વામી મનિષાબેનને રૂ.પપ૦૦/- નો ચેક, ત્રીજા નંબર ઉપર ગીરગઢડા તાલુકાની ધોકડવા કન્યા શાળાના સંચાલક કાતરીયા ગીતાબેન કેશુભાઈને રૂ.૪પ૦૦/- નો ચેક તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતાં.
આ સ્પર્ધામાં ભાગ લીધેલા કુલ-૧૮ સ્પર્ધકો પૈકી બાકીના ૧પ સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી તરફથી દરેક સ્પર્ધકને રૂા.૧૦૦૦/- તથા પી.એમ.પોષણ યોજના ગીર સોમનાથના મંડળ દ્વારા ડીનર સેટનું ઈનામ આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વેરાવળ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી શાળાઓના કિચનગાર્ડનમાં ઓર્ગેનીક શાકભાજી ઉગાડી અને તેનો પી.એમ.પોષણ યોજનાના ભોજનમાં ઉપયોગ કરવા તથા શાળાઓમાં આપવામાં આવતા તિથી ભોજનમાં દાતાઓ તરફથી બાળકોને ફળો આપવા માટે શાળાઓના આચાર્યઓ તથા શિક્ષકઓએ જે પહેલ ચાલુ કરી છે તે બદલ વેરાવળ તાલુકાના પ્રાથમિક શિક્ષાણાધિકારી, બીઆરસી, આચાર્ય તથા શિક્ષકશ્રીને જિલ્લા પુરવઠા અધિકારીના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યાં હતાં.
આ સ્પર્ધામાં વેરાવળ તાલુકાના ટીપીઓ, નાયબ જિલ્લા મેનેજર, ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ, ગીર સોમનાથ, નાયબ મામલતદારો, મધ્યાહ્ન ભોજન યોજના, જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર એમ.ડી.એમ., તાલુકાના એમ.ડી.એમ. સુપરવાઈઝરો, વેરાવળના બી.આર.સી., શાળાના આચાર્ય શિક્ષકઓ તથા પી.એમ.પોષણ યોજનાના માનદવેતન ધારકો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ