

પોરબંદર, 23 ડિસેમ્બર (હિ.સ.) : જ્યારે ઈચ્છાશક્તિ મક્કમ હોય અને સરકારનો સાથ મળે, ત્યારે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ માર્ગ મળી જ રહે છે. આ વાતને સાર્થક કરી બતાવી છે પોરબંદર જિલ્લાના કાસાબડ ગામના કિંજલબેન સાગરભાઈ ઠુંમરે.
એક સામાન્ય પરિવારમાં સુખેથી રહેતા કિંજલબેનના જીવનમાં મુશ્કેલી ત્યારે આવી જ્યારે તેમના પતિની તબિયત અસ્વસ્થ થઈ. ઘરની આર્થિક સ્થિતિ કથળી રહી હતી અને નાની દીકરીનું ભવિષ્ય તેમજ ઘરનું ગુજરાન ચલાવવાની મોટી જવાબદારી કિંજલબેનના ખભા પર આવી પડી. હાર માનવાને બદલે તેમણે સ્વમાનભેર જીવવાનો અને મહેનત કરવાનો નિર્ણય લીધો.
રાજ્ય સરકારની નારી સશક્તિકરણની નીતિ કિંજલબેન માટે વરદાન સાબિત થઈ. તેઓ 'શક્તિ સખી મંડળ'માં જોડાયા. સરકાર તરફથી તેમને રૂ. 50,000ની આર્થિક સહાય મળી, જેણે તેમના સપનાઓને પાંખો આપી.પોતાનામાં રહેલી કળાને વ્યવસાયનું રૂપ આપતા કિંજલબેને આર્થિક સહાયની મદદથી તેમણે લાકડાના તોરણો, ઘર સુશોભનની આકર્ષક ચીજવસ્તુઓ, બાળકો માટેના સુંદર રમકડાં સહિતની વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું.
સરકાર દ્વારા સમયાંતરે યોજાતા 'સશક્ત નારી મેળા' અને 'વોકલ ફોર લોકલ' પ્રદર્શનોમાં કિંજલબેનની કૃતિઓને લોકોએ ખૂબ આવકારી. આ મેળાઓને કારણે તેમના વ્યવસાયને નવી ગતિ મળી અને આજે તેઓ આત્મનિર્ભર બની પોતાના પરિવારનું સન્માનપૂર્વક ગુજરાન ચલાવી રહ્યા છે.આ સંદર્ભે કિંજલબેન ઠુંમરે જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓ અને સખી મંડળના સાથને કારણે આજે હું મારી દીકરીનું ભવિષ્ય સુધારી શકી છું. આ બદલ સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું.
રાજ્ય સરકારના અટલ નેતૃત્વ હેઠળ છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચી રહ્યા છે. વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની નારીશક્તિને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે રાજ્ય સરકાર અવિરત પ્રયત્નશીલ છે.
કિંજલબેન જેવી અનેક બહેનોની સફળતા એ સાબિતી છે કે સરકારની કલ્યાણકારી યોજનાઓ અને પ્રોત્સાહક નીતિઓને કારણે આજે રાજ્યની મહિલાઓ આત્મનિર્ભર બનીને પરિવારનો મજબૂત આધારસ્તંભ બની રહી છે. આમ, ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ના મંત્ર સાથે સરકાર પ્રત્યેક નાગરિકના ઉત્થાન માટે કટિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya